રજૂઆત:વાવના ગોલગામે પાણી નહીં મળતાં ગ્રામજનો દ્વારા થરાદ નાયબ કલેકટરને લેખિત રજૂઆત

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણી નહીં મળે તો બુધવારથી ઉપવાસ આંદોલન કરવાની લોકોની ચીમકી

વાવ તાલુકામાં ઉનાળામાં સરહદી ગામોમાં પૂરતું પાણી ન મળતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે.ગોલગામ ગામે છેલ્લા દસ દિવસથી પીવાનું પાણી પૂરતું ન મળતા સોમવારે નાયબ કલેકટર થરાદને આવેદન આપી જો બુધવાર સુધી પાણી પૂરતું નહીં મળે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

સરહદી વિસ્તારમાં પીવાના પાણીનો કકળાટ છે. ત્યારે વાવ તાલુકાના ગોલગામ ગામના સરપંચ દ્વારા સોમવારે નાયબ કલેકટરને લેખિત રજૂઆત કરીને જણાવ્યું હતું કે ‘પીવાનું પાણી છેલ્લા દસ દિવસથી એકદમ ઓછું મળે છે અને પુરા ગામમાં પાણીની અછતથી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ગ્રામજનો દ્વારા પાણી પુરવઠાના તમામ અધિકારીઓને જાણ કરવા છતાં એમને કોઈ જવાબ મળતો નથી અને દિવસેને દિવસે પીવાના પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે. પશુઓને પણ પીવાનું પાણી મળતું નથી. રખડતી ગાયો પણ પાણી વગર મોતને ભેટે છે.

જો હવે તરત પાણીનો હલ નહીં થાય તો તારીખ 20 એપ્રિલને બુધવારથી અમો ઉપવાસ આંદોલન પર ઉતરીશું એવી ચિમકી આપી હતી. ત્યારે બહોળી સંખ્યામાં આવેલ ગ્રામજનો અને સરપંચ દ્વારા નાયબ કલેકટરને પીવાનું પાણી તાત્કાલિક ધોરણે આપવામાં આવે એવી માંગ કરી હતી. આમ સરપંચ દિનેશભાઈ નારણભાઈ પટેલ સહિત ગ્રામજનોએ થરાદ નાયબ કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું. શિરસ્તેદાર રૂપસીભાઈ પટેલે આવેદનપત્ર સ્વીકારી સંબંધિત વિભાગને મોકલી આપવાની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...