હોબાળો:થરાદમાં આંગણવાડી કેન્દ્ર અને કમ્પાઉન્ડ વૉલનું કામ અટકાવ્યું

થરાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેકર્ડ ઉપર રસ્તો ન હોવા છતાં પણ રહીશોની બળજબરીથી આશ્ચર્ય

થરાદના ભાડાના મકાનમાં ચાલતા આંગણવાડી કેન્દ્રના બાળકો વચ્ચે સામાજિક અંતર જાળવવા પણ મુશ્કેલી પડી રહી હોવા અંગેના અહેવાલના બીજા દિવસે પોલીસ બંદોબસ્ત વચ્ચે કોન્ટ્રાક્ટર દ્વારા આંગણવાડી કેન્દ્ર અને કમ્પાઉન્ડ વૉલની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે બીજા દિવસે રહીશોએ હોબાળો કરતાં કામ અટકી જવા પામ્યું હતું.

નગરપાલિકાના કહેવા મુજબ રેકર્ડ ઉપર કાયદેસરનો કોઇ રસ્તો નથી તેમ છતાં પણ રહીશો દ્વારા બળજબરીપૂર્વક વારંવાર કામગીરી બંધ કરાવતાં આશ્ચર્યની લાગણી ફેલાઈ છે. ચીફઓફિસરે આ અંગે કામગીરી શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

થરાદની ચામુંડાનગર સોસાયટીમાં પોતાના પ્લોટમાં પાલિકાએ ઠરાવ કરીને આપેલી જગ્યામાં બાળકો માટે આંગણવાડી કેન્દ્ર અને કમ્પાઉન્ડ વૉલની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે રહીશોએ તેમાં રસ્તાની માંગણી કરીને કામગીરી અટકાવતાં કમ્પાઉન્ડ વૉલને લઇને વિવાદ ઉભો થવા પામ્યો હતો. બંન્ને પક્ષો દ્વારા નાયબ કલેક્ટરની કચેરીમાં રજુઆતો થતાં પાલિકાને લેખિતમાં તાત્કાલિક નિયમોનુસાર કાર્યવાહી કરવાની તાકીદ કરતાં પાલિકાએ પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો.

પોલીસ બંદોબસ્ત મળતાં કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ ફરી પાછી રહીશોએ હોબાળો કરીને કામગીરી અટકાવી દીધી હતી. આ ઘટનાને પગલે ઇન્ચાર્જ ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી, ઉપપ્રમુખ રમેશભાઇ રાજપુત, સદસ્ય દિપકભાઈ ઓઝા સહિત ટીમ દોડી આવી હતી અને જગ્યાની સમીક્ષા કરી હતી. તેમજ કોન્ટ્રાકટરને કામગીરી શરૂ કરવાનું કહેતાં રહીશોએ ફરી પાછું કામ અટકાવી દીધું હતું.

બીજીબાજુ પાલિકાના કહેવા પ્રમાણે આંગણવાડીની જગ્યાએ રહીશોની માંગણી મુજબ કોઈપણ જુનો રસ્તો રેકર્ડ પર નહીં હોવા છતાં પણ બળજબરીપૂર્વક કામગીરી નહીં કરવા દેતા રહીશોની માનસિકતાને લઈને અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. આ અંગે ચીફ ઓફિસર રૂડાભાઈ રબારીએ જણાવ્યું હતું કે ‘આંગણવાડી કેન્દ્રની આજુબાજુ રહેતા રહીશોને રસ્તા માટે કેટલાક દબાણ દૂર કરાવી ગટરલાઈનની કામગીરી કરી રસ્તાની વ્યવસ્થા કરી આપ્યા બાદ આંગણવાડી કેન્દ્રનું કામ શરૂ કરવામાં આવશે.’

અન્ય સમાચારો પણ છે...