વિશ્વ મહિલા દિવસ:પાકિસ્તાનમાં જન્મેલાં થરાદના દયાબેન ડોહટ મહિલાનાં આંગળાંથી નિતરેલી કલાથી ભારત સહિત ત્રણ દેશોમાં સન્માનિત થઇ ચૂક્યાં છે

થરાદ5 મહિનો પહેલાલેખક: વિષ્ણુ દવે
  • કૉપી લિંક
થરાદનાં દયાબેન ડોહટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
થરાદનાં દયાબેન ડોહટ - ફાઇલ તસવીર
  • દહેજમાં જાતે જ ભરેલાં કપડાં લઇ જવાની પ્રથાને લઇ ભરત ગૂંથણ શીખવા 4 ધોરણ ભણી શક્યાં,આજે 300 મહિલાને રોજગારી આપે છે
  • જયા બચ્ચન, શબાના આઝમી, રાણી મુખરજી સહિત અભિનેત્રી પણ કલાનાં ચાહક

સને 1965 અને 1971ના યુદ્ધમાં પાકિસ્તાનથી ભારતમાં શરણાર્થી તરીકે વસીને થરાદના શિવનગરમાં રહેતા પરિવારોની અનેક મહિલા અને પુરૂષોના આંગળાંના ટેરવાંમાંથી રોજીરોટીની તલાશમાં નીકળેલા હસ્તકલાના કસબે કાઠું કાઢ્યું છે. જેમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવી ચૂકેલી મહિલાઓ પૈકીનાં માત્ર ચાર ચોપડી ભણેલાં દયાબેન ડોહટે તો એક નહીં પણ ત્રણ ત્રણ દેશોમાં સન્માન મેળવી વિદેશની ધરતી પર ભારતનું નામ ગૂંજતું કર્યું છે. જીવનમાં અનેક સંઘર્ષ વેઠીને પણ ભરતકામની પંદરેક પૈકી મહત્વની સુફ, ખારેક અને કોસ્ટ્રીજ કામની અલગ જ વિશેષતા ધરાવતા ગૂંથણની કલાના દમ પર આજે 300 જેટલી મહિલાઓને રોજગારી પણ આપી રહ્યાં છે.

ભારતમાં 7 વર્ષ પહેલા શરણાર્થી તરીકે આવ્યા
પાકિસ્તાનમાં જન્મેલાં દયાબેન ભુરાભાઇ ડોહટ (51) ભારત પાકિસ્તાનની લડાઇ વખતે શરણાર્થી તરીકે 17 જણના પરિવાર સાથે 7 વર્ષ કચ્છના સુમરાસર શેખવાલીમાં ઝુરા કેમ્પમાં રહ્યાં હતાં. યુવતીનાં લગ્ન થાય ત્યારે દહેજમાં પોતે જાતે જ ભરેલાં કપડાં લઇ જવાની 4-5 પેઢીની પ્રથાના કારણે પિતા શિક્ષક હોવા છતાં માત્ર ચાર ચોપડી ભણી અભ્યાસ છોડી ભરતકામ જાતે શીખતી હતી. 10 વર્ષની ઉંમરે સુફ ભરતકામ શીખી લીધું હતું. એક મીટર કાપડના ટુકડામાં બોર્ડર બનાવતાં 12 રૂપિયા મળ્યા હતા.

16 વર્ષની ઉંમરે પ્રથમ સન્માન મેળવ્યું
ચંદાબેન નામની મહિલાએ સૃજન સંસ્થા બનાવી ગુજરી નિગમનું કામ શરૂ કરતાં 16 વર્ષની ઉંમરે હેન્ડીક્રાફ્ટ પ્રોગામમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી ચિમનભાઇ પટેલના હાથે પ્રથમ સન્માન થયું હતું. ત્યાર બાદ અમદાવાદની બેંકનાં મહિલા મેનેજરે એક બ્લાઉઝ પીસમાં ભરતકામના રૂ.100 આપી કલાની પ્રશંસા કરી એવોર્ડ મેળવવા પ્રેરી હતી. પરિણામે જિલ્લા ઉદ્યોગના કર્મચારીએ 15 બાય 26 ઇંચનો પીસ ભરવા આપતાં ત્રણ મહિના અને 17 દિવસ સુધી 17 કલાક કામ કર્યું હતું. જેને દિલ્હીથી 1989માં રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો અને ઇન્ટરનેશનલ એવોર્ડ માટે મુકાતાં 1990માં રાષ્ટ્રપતિ આર. વેંકટરમનના હસ્તે રૂ.10 હજાર, શાલ અને તામ્રપત્ર મળ્યું હતું.

કચ્છના 18 ગામોના 300 માણસોને જોડી સંસ્થા બનાવી
​​​​​​​​​​​​​​
આ ઉપરાંત, ગુજરાતના રાજ્યપાલના હસ્તે 1993માં સન્માન મળ્યું હતું. 11 સદસ્યો સાથે મળી હસ્તકલાને જીવંત રાખવા કલારક્ષા નામે સંસ્થા બનાવી, જે આજે કચ્છના 18 ગામોના 300 માણસોને રોજગારી આપી રહી છે. થરાદમાં લગ્ન થતાં 10 કારીગરો સાથે મળી નવી નવી ડિઝાઇનો ભરતાં શિખવતાં આજે રોજની 100 થી 200 આઇટમો બનાવી 300 જેટલી મહિલા કારીગરોને કામ આપી રહ્યાં છે.

અમેરિકાની ભૂરી કલાથી પ્રભાવિત થઇ ઘરે જ રોકાઇ ગઇ
બજારમાં તેમના ભાઇ પ્રકાશ પાસે ભરત ભરેલી બેગ જોતાં અમેરિકાથી આવેલી જુડીફ્રેટર નામની ફોરેઇનર મહિલા હસ્તકલાથી એટલી પ્રભાવિત થઇ હતી કે તેમનાં ઘરે આવી હતી અને મિત્ર બની જતાં તેમના ઘરે એક પરિવારના સદસ્યની જેમ રોકાઇ ગઇ હતી.

કચ્છના રાજા પ્રતાપસિંહના આઇના મહેલમાં પણ સન્માન
થરાદનાં દયાબેને ભરેલી સાડીઓ અને અન્ય વસ્તુઓ અભિનેત્રી જયા બચ્ચન, શબાના આઝમી, કિરણ ખેર, રાણી મુખરજી અને દિપીકા પદુકોણ, ક્રિકેટર રવિ શાસ્ત્રી તથા સૌરવ ગાંગુલની પત્નીએ ખરીદવા ઉપરાંત તેમની બનાવેલી સાડી પહેરી તેમની કલાને સન્માન આપ્યું છે. 1993માં ગાંધીજીનાં પુત્રવધૂ તેમના ઘરે આવીને કામ આપ્યું હતું. ગુજરાતી હિરોઇન મલ્લિકા સારાભાઇ તેમના ઘરે આવવા ઉપરાંત કચ્છના રાજા પ્રતાપસિંહના આઇના મહેલમાં બોલાવી સન્માન કર્યું હતું.

કદર મુંબઇનાં જાણિતાં ફેશન ડિઝાઇનરો માટે કામ કર્યું
દયાબેને તૈયાર કરેલી ચીજવસ્તુઓ મુંબઇમાં તાજ ખજાનામાં જાય છે. તેમણે મુંબઇની મોટી ડિઝાઇનર રીતુ કુમાર, અનુરાધા વકીલ, હાસીફ શેખનાં કામ કર્યાં છે. માર્ગદર્શન મળે છે. ઇંદિરાજી કલાનિધી એવોર્ડ અપાવ્યો છે.

જાતે જ તૈયાર કરે છે અવનવી ડિઝાઇન
ટ્રેડિશનલ ડિઝાઇનમાં બ્લાઉઝ, કુર્તા, પીસ, દુપટ્ટા, મફલર, સ્ટોલ, સ્કાપ, જેકેટ, તમામ પ્રકારની બેગ, મોબાઇલ અને ચશ્માં સહિતનાં વિવિધ કવર જાતે જ ડિઝાઇન કરતાં દયાબેન જણાવે છે કે, કોમ્પ્યુટર દ્વારા તેમની ડિઝાઇનોની કૉપી કરાય છે.પરંતુ કલાને જીવંત રાખવા તેમને સરકાર દ્વારા કોઇ જ મદદ કરાતી નથી.

અન્ય સમાચારો પણ છે...