અકસ્માત:થરાદના કાપરા નજીક ટ્રિપલ અકસ્માતમાં બેને ગંભીર ઇજા

થરાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીસાના વેપારીની જીપ ટેન્કરની પાછળ ઘૂસી જતાં એક કલાકની મહેનત બાદ બંનેને જીપમાંથી બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયા

થરાદ-ડીસા હાઈવે પર આવેલા કાપરા ચીતરા નજીક બુધવારે બપોરના સુમારે એકસાથે ત્રણ વાહનો વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિઓને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઇ હતી.

લાખણીથી ડીસાના નવીન બનેલા હાઈવે રોડની એક સાઈડની પેવર કામગીરી ચાલુ છે. આથી બંને બાજુના વાહનો અમુક અંતર માટે એક સાઇડ ઉપર અવર-જવર કરતા હોય છે. ત્યારે બુધવારે બપોરે 12 વાગ્યાના સુમારે બનાસ ડેરીના દૂધના ટેન્કર અને થરાદ તરફથી આવી રહેલા હાઇવા ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ અથડાઈને દૂધ વાહન ઢોળાવમાં પાછું પડતાં તેની પાછળ પુરઝડપે આવી રહેલ ડીસાના વેપારીની જીપ ટેન્કરની પાછળ ઘુસી જવા પામી હતી. આથી તેમાં બેઠેલા ચાલક સહિત બે વ્યક્તિઓને ગંભીર ઇજા થવા પામી હતી. જેઓને એક કલાકની મહેનત બાદ ટેન્કર નીચે ઘુસેલ જીપથી નીકાળીને સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

બીજી બાજુ હાઈવે વિભાગની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હોવાનું વાહનચાલકોએ જણાવ્યું હતું. રાવતભાઈ નામના વાહનચાલકે રોષ વ્યકત કરતાં જણાવ્યું હતું કે ‘પેવરની કામગીરી પૂર્ણ થવા છતા પણ તંત્ર દ્વારા વાહનચાલકો નિયત સાઇડે જઇ અને જોઈ શકે તેવા પ્રકારનું ડાઇવર્ઝન આપવામાં આવ્યું ન હતું. પરીણામે આ અકસ્માત સર્જાયો હતો. જો કે અકસ્માત બાદ તરત જ તંત્ર દ્વારા સામેની સાઈડ પર વાહન વ્યવહાર ચાલુ પણ કરી દેવાયો હતો. અકસ્માત અંગે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...