કોર્ટમાં અપીલ:ઉંટવેલીયાના દંપતીએ બળજબરીપૂર્વક ખેતરમાં કબજો કરતાં ફરિયાદ નોંધાઇ

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વારસદારે હક ઉઠાવી લીધો છતાં તેમના પુત્રી અને જમાઈએ કોર્ટમાં અપીલ કરી

લાખણી માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેનની વેચાણ લીધે જમીનમાં જેટા હાલ રહે.ઉંટવેલીયાના દંપતીએ બળજબરીપૂર્વક કબજો કરી લેતા તેમની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો. જો કે વારસદારે હક ઉઠાવી લીધો, પરંતુ તેમના પુત્રી અને જમાઈનો જમીનમાં ડોળો હોઇ વેચાણ લેનાર સામે અપીલો કરી હેરાન કરતા હતા.

લાખણી તાલુકાના મડાલ ગામના તેજાભાઈ લાલાભાઈ પટેલએ આઠ વર્ષ પહેલા થરાદના આસોદર ગામે રામજીભાઈ જગમાલભાઇ પટેલની જમીન થરાદના ઊંટવેલીયામાં આવેલી હોઇ જે તેમણે વેચાણ રાખી હતી. પરંતુ,આ જમીન રામજીભાઈએ ઉંટવેલીયા ગામના નરસંગભાઈ શકરાજી ઠાકોર પાસેથી વેચાણ રાખેલ હોઇ અને તે જમીનમાં અગાઉ ચતરાજી જેહાજી ઠાકોર વારસદાર હોઇ તેમણે તે જમીનમાંથી તેમનો હક ઉઠાવી લીધો હતો.

આ જમીન વેચાણ લીધા પછી સીઝન પાક લીધા પછી ચતરાજી જેહાજી ઠાકોરની દીકરી હલુબેન દેહળાજી ઠાકોર અને તેના પતિ દેહળાજી સોમાજી ઠાકોર (બંને રહે.જેટા,તા.થરાદ, હાલ રહે. ઉંટવેલીયા)એ તેજાભાઇના ભાગીયાને તે જમીનમાંથી બહાર કાઢીને કબજો જમાવી લીધો હતો. આથી તેમને જે તે વખતે જમીન ખાલી કરવા કહ્યું હતું. પરંતુ તેઓ ઝઘડા કરતા અને જમીનનો કબજો ખાલી કરતા ન હતા.

ઉલટાનું નાયબ કલેકટર કચેરી થરાદ ખાતે તેજાભાઈની નોંધની અપીલમાં જતાં તેઓ કેસ હારી ગયા હતા. આથી હલુબેને સિવિલ કોર્ટ ડીસા ખાતે અપીલ કરી હતી. જે અપીલ થરાદ સિવિલ કોર્ટમાં આવી હતી તે કેસ પણ તેજાભાઈ જીતી ગયા હતા. છતાં પણ આ બંને પતિ-પત્ની તેમનો કોઇ વાલીવારસ હક ન હોવા છતાં પણ જમીન પર કબજો કરી રાખેલ હતો.

આથી તેજાભાઈએ લેન્ડ ગ્રેબીંગ કાયદા હેઠળ જિલ્લા કલેકટરને અરજી કરી હતી. જે અરજી મંજુર થતાં દંપતી સામે તેજાભાઇની જમીનમાં છાપરું બનાવી તેમાં રહેણાંક તરીકે ઉપયોગ કરેલ હોઇ જે બાબતે પોલીસ ફરિયાદ કરવાનો હુકમ થયો હતો. પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પરના કાયદાની જોગવાઇઓ મુજબ દંપતી સામે ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...