કવાયત:થરાદ-મીઠા 4 કિમી રોડ 11.70 કરોડના ખર્ચે બે ફૂટ ઉંચો લઇ નવો બનાવાશે

થરાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઢોળાવ કાપીને નવો રોડ બનાવવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં થરાદ-મીઠાનો 4 કિમી રોડ મંજુર કરી જોબનંબર આપવામાં આવતાં તંત્ર દ્વારા તેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઢોળાવ કાપીને બે ફુટ ઉંચો લઇને નવો બનાવવામાં આવી રહેલા મહત્વપૂર્ણ માર્ગથી વાહનચાલકો અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.થરાદથી મીઠા હાઇવેને ભુતકાળમાં ગૌરવપથ તરીકે અંદાજીત સાડા ત્રણ કરોડના ખર્ચથી વિકસાવવામાં આવ્યો હતો. જો કે તે તમામ ખર્ચ પાણીમાં જતાં આ રોડ પર 2015 અને 2017ના પુરમાં પાંચથી દસ ફુટ જેટલાં પાણીનો ભરાવો થવા પામ્યો હતો.

આથી રોડને નવો બનાવવાની પ્રજાજનોની માંગણી અને રાજકીય અગ્રણીઓના પ્રયાસને કારણે રાજ્યસરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગ દ્વારા થરાદ વિધાનસભા મતવિસ્તારના સાત વર્ષથી વધુ સમયના રિકાર્પેટ ન થયેલ હોય તેવા રાજ્ય હસ્તકના રૂ.23.70 કરોડ અને પંચાયત હસ્તકના રૂ.7.66 કરોડના ખર્ચે 64.95 કિમીના રસ્તાઓના કુલ રૂ. 31.36 કરોડનાં કામો મંજુર કરી જોબ નંબર આપવામાં આવ્યા હતા.

જેમાં રાજ્ય હસ્તક ઉબડખાબડ બનેલા અને દર વર્ષે ધોવાઇ જતા થરાદ-મીઠા રોડનો પણ સમાવેશ કરાયો હતો. જે માર્ગ 11.70 કરોડના ખર્ચથી ચાર કિમીનો માર્ગ નવો બનાવવામાં આવશે. માટી કાઢી નાખવામાં આવશે. તેમજ હાલ છે તેના કરતાં બે ફુટ ઉંચો લેવામાં આવશે. ઉપરાંત આગળ પણ 15.91 કિમી માર્ગ રૂપીયા 1.20 કરોડના ખર્ચે રિકાર્પેટ કરાશે.

અન્ય સમાચારો પણ છે...