થરાદ નજીક છ વર્ષ અગાઉ નર્મદા કેનાલમાંથી મળી આવેલા યુવકની તેની વાગદત્તાના પ્રેમીએ એક સગીર સાથે મળી હત્યા કરી હોવાનું ખુલવા પામ્યુ હતુ. આ અંગેનો કેસ થરાદની કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે પ્રેમીને આજીવન કેદની સજાનો હૂકમ કર્યો હતો. કાંકરેજ તાલુકાના ચીમનગઢ (ઝાલમોર નવા) ગામના કનુભાઇ શંકરભાઇ વણકર (બારૂપાલ) નો મોટો પુત્ર શૈલેષ છ વર્ષ અગાઉ થરાદ મુકામે તેની ફઇના ઘરે રહીને એગ્રીકલ્ચર કોલેજમાં અભ્યાસ કરતો હતો. તેની સગાઇ લીંબાઉ ગામે સમાજના મોહનભાઈ નારણભાઈની પુત્રી ચેતના સાથે ચાર વર્ષ પૂર્વે કરેલ હતી.
અને તેના લગ્ન પણ 15 ફેબ્રુઆરી 2015ના રોજ કરવાના હતા. બીજી બાજુ પોતાના લગ્નની પત્રિકાઓ લઇને આપવા માટે નિકળેલા શૈલેષભાઇનો મૃતદેહ થરાદની નર્મદા નહેરમાંથી તા.13 ફેબ્રુઆરી-2015ના રોજ સવારે સાત વાગ્યે તરતો મળી આવ્યો હતો.
આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં શૈલેષની વાગ્દત્તા ચેતના હરેશભાઇ શંકરભાઇ વણકર (રહે.રાધનપુર) ના ઘરે રહેતી હોવાથી બંન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આથી હરેશભાઇએ એક સગીર અને ચેતનાબેન સાથે મળીને શૈલેષનો કાંટો કાઢવાનું કાવતરૂ રચીને તા.8 ફેબ્રુઆરી-2015ના રોજ તેને માંગરોળ બાજુ લઇ જઇ પુષ્કળ પ્રમાણમાં દારૂ પીવડાવીને થરાદની નર્મદા નહેરમાં નાખી દિધો હોવાનો ખુલાસો થવા પામ્યો હતો. આથી પોલીસે હરેશભાઇ શંકરભાઇ વણકર અને એક અજાણ્યા શખસ સામે આઇપીસી 302,364,34,120બી મુજબ ગુનો દાખલ કર્યો હતો.
જે કેસ એડીશનલ સેસન્સકોર્ટ થરાદમાં સોમવારે ચાલી જતાં ન્યાયાધીશ બી.એસ.પરમારે સરકારી વકીલ આર.ડી.જોષીની દલીલો ગ્રાહ્ય રાખી હરેશભાઇ શંકરભાઇ વણકર (મારવાડી) ને જનમટીપ (આજીવન કેદ) ની સજા ફરમાવી હતી. અને 10 હજાર દંડ તથા જો દંડ ન ભરેતો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે ચેતનાબેન મોહનભાઇ વણકરને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મુકવામાં આવી હતી. તેમજ આ ગુનામાં સામેલ એક સગીરનો કેસ જુવેનાઇલ કોર્ટમાં ચલાવવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.