ઉપજ:થરાદ-સાંચોર હાઇવે પર દાડમનું જામતું બજાર

થરાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જથ્થાબંધ કરતાં છુટકમાં વધારે ભાવ મળતાં હોઇ ખેડૂતોના ધામા

દાડમના હબ તરીકે ઓળખાતા થરાદનો સાંચોર હાઇવે પાછલાં કેટલાંક વર્ષોથી દાડમનું બજાર બનવા પામ્યો છે.પડોશી રાજસ્થાન સહિત આગળના રાજ્યોમાં પરત જતા ટ્રકચાલકો એકથી દસ મણ સુધીની દાડમની જથ્થાબંધ ખરીદી કરતા હોઇ હાઇવે પર ટ્રેકટરો અને લારીઓ સાથેના ખેડૂતોની તેમજ ટ્રકોની કતારો જામે છે.ધૂમ ખરીદી કરતા વાહનચાલકો સાથે હાથોહાથ અને તે પણ સારા ભાવે વેચાણ થતું હોવાના કારણે અંદાજીત 150 જેટલા નાના વેપારીઓ રાતદિવસ બેસીને દાડમ વેચીને પેટીયું રળે છે.

જો કે બજારમાં અગાઉની સાલની સરખામણીએ ભાવ ઓછા મળી રહ્યા હોવાનું ખેડુતોએ જણાવ્યું હતું.પંથકના 100 જેટલા ગામોના ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળતાં 10 હજાર કરતાં પણ વધુ હેક્ટર જમીનમાં દાડમની ખેતી અને વિપુલ ઉત્પાદન થતું હોઇ સમગ્ર ગુજરાતમાં ગણતરીનાં વર્ષોમાં થરાદએ દાડમનું હબ બન્યુ છે. આથી સરકાર દ્વારા ખેડૂતોને માર્કેટની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.

પરંતુ તેમાં જોઇએ તેવા ભાવ નહી મળતા હોવાના કારણે અંદાજીત 150 જેટલા વેપારીઓએ ગાયત્રી વિધાલય નજીક રોડની સાઇડમાં ટ્રેક્ટર,જીપડાલું જેવા વાહનો અને લારીઓ સાથે ધામા નાખીને માર્કેટમાં વેપારીઓ તેમજ ખેતરોમાંથી ખેડૂતોનો સીધો સંપર્ક કરી 20 કિલોના પેકેટ બનાવી તેનું વેચાણ કરી રહ્યા છે.પરિણામે છેલ્લા દસકાથી આ હાઇવે પર શિયાળે દાડમની બજાર જામે છે.

જોકે ખેડૂતોને માર્કેટ અને ખાનગી વેપારીઓને જથ્થાબંધ માલ વેચવામાં આવે તેના કરતાં છુટક વેચાણમાં વધુ ભાવ થરાદ સાંચોર હાઇવે પરથી અવરજવર કરી રહેલા પંજાબ,યુ.પી, રાજસ્થાન, હરિયાણાના ટ્રાન્સપોર્ટ વાહનોના ચાલકોની ધૂમ ખરીદીના કારણે મળી રહ્યા છે. આથી રાતદિવસ વારાફરતી ગ્રામિણ વિસ્તારોના ખેડૂતો વજનકાંટા દાડમની વકલ પ્રમાણે ભાગ પાડીને વેચવા માટે બેસી રહેતા હોઇ વાહનોની કતારો જામે છે.

અન્ય સમાચારો પણ છે...