રજૂઆત:પાણી મુદ્દે થરાદના ધારાસભ્ય PM ના કાર્યક્રમમાં ખેડૂતો સાથે આંદોલન કરશે

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થરાદ, વાવ અને સુઇગામ પંથકને પાણી આપવા મુખ્યમંત્રીને રજૂઆત

થરાદના ધારાસભ્યએ રાજ્યના મુખ્યમંત્રીને રૂબરુ મળીને તેમજ લેખિતમાં થરાદ, વાવ, સુઈગામ વિસ્તારને પિયત માટે પાણી આપવા રજુઆત કરી હતી. જો બે દિવસમાં નિર્ણય નહી લેવામાં આવે તો આગામી સમયમાં દેશના વડાપ્રધાન બનાસકાંઠા આવશે ત્યારે ખેડૂતોને સાથે રાખીને ગાંધચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપી તાત્કાલિક ધોરણે પ્રજાહીતમાં પાણી ચાલુ કરવા માંગણી કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીને નર્મદા ડેમમાંથી બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ, સુઈગામને પાણી આપવા બાબતે ધારાસભ્ય ગુલાબસિંહે લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે ‘તાજેતરમાં ઉનાળો ચાલુ થઈ ગયેલ છે અને પાણીની સમસ્યાઓ પણ તેની સાથે જ શરૂ થઈ ગઈ છે. ત્યારે વિધાનસભા મતવિસ્તારના થરાદ, વાવ અને સુઈગામ તાલુકામાં પણ પાણીની સમસ્યાઓ ઉભી થઈ છે.

ઘાસચારાના અભાવે પશુઓના મૃત્યુ પણ નોંધાઈ રહ્યા છે. ઉનાળુ પાકનું ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલ છે, પરંતુ સિંચાઈના પાણીના અભાવે આ પાક પણ નાશ પામે તેમ છે. નર્મદા ડેમમાં ઉનાળાના સમયમાં હાલ ઐતિહાસિક સપાટીએ પાણી છે. ત્યારે તેમાંથી થરાદ, વાવ અને સુઈગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવું જરૂરી બન્યું છે.

આથી, પ્રજાહિતમાં તાત્કાલિક સરકાર કક્ષાએથી યોગ્ય નિર્ણય કરી નર્મદા ડેમમાંથી ત્રણેય તાલુકાને પાણી આપવા માટે તેમની કક્ષાએથી સંબંધિતને તાત્કાલિક જરૂરી આદેશો આપવા ભલામણ સાથે વિનંતી કરી હતી. જો આ સપ્તાહમાં પાણી આપવામાં નહીં આવે તો પ્રજાને સાથે રાખીને ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...