પુરાંતલક્ષી બજેટ:થરાદ શહેરમાં 14 કરોડના ખર્ચે વિવિધ કામોના આયોજન સાથેનું પાલિકાનું રૂ.3.26 કરોડનું પુરાંતલક્ષી બજેટ પસાર

થરાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થરાદમાં ગત વર્ષે 16 કરોડના વિકાસકામોનું આયોજન હતું જે પૈકી 9 કરોડનાં અર્પણ કર્યાં

થરાદ નગરપાલિકાએ ગત વર્ષે 16 કરોડના વિકાસકામોનું આયોજન સાથેનું પુરાંતલક્ષી બજેટ પસાર કરતાં તે પૈકી 7 કરોડનાં કામો પુર્ણ કર્યાં હતાં. જ્યારે 9 કરોડના ખર્ચે બનનાર ટાઉનહોલનું કામ પ્રગતિમાં છે. એ જ પ્રકારે આગામી નાણાંકીય વર્ષમાં નગરમાં રૂપિયા 14 કરોડના ખર્ચે વિકાસલક્ષી કામો કરવાના આયોજન સાથેનું રૂ.3.26 કરોડનું પુરાંતલક્ષી બજેટ ગુરૂવારે પાલિકાના મહિલા પ્રમુખની અધ્યક્ષતામાં સર્વાનુમતે પસાર કરાયું હતું.

પ્રમુખ જાનકીબેન ઓઝાની અધ્યક્ષતામાં ગુરુવારે ચીફ ઓફીસર રૂડાભાઇ રાજપુત અને ઉપપ્રમુખ રમેશભાઇ રાજપુત સહિત શાસક અને વિપક્ષના સમર્થન સાથે 28 પૈકી 22 સદસ્યોની ઉપસ્થિત વચ્ચે સામાન્ય સભા યોજાઇ હતી.

ઇ. ચીફ ઓફીસર રૂડાભાઇ રબારીએ જણાવ્યું હતું કે ‘થરાદ નગરપાલિકાના મહિલા પ્રમુખની બોડીએ ગત વર્ષે બજેટમાં સમાવિષ્ટ કરેલાં 16 કરોડનાં કામો પૈકી 48 લાખના ખર્ચે ફાયરસ્ટેશન, 45 લાખના ખર્ચે બસસ્ટેશન પાસે બગીચા સહિતનાં કામો, સાર્વજનિક સ્મશાનમાં 30 લાખથી પ્રાર્થનાહોલ, અર્બુદાશોપીંગથી શેણલનગર ત્રણ રસ્તા રોડ 92 લાખ, નગરમાં જુદાજુદા વિસ્તારમાં સ્ટ્રોમ વૉટરની કામગીરી 60 લાખ, રોડરિસર્ફેસિંગ 150 લાખ અને રોડપેવર બ્લોક,કમ્પાઉન્ડ વૉલ વિગેરે કામો 230 લાખના ખર્ચથી પુર્ણ કરવામાં આવ્યાં હતાં. જ્યારે 86 લાખના ખર્ચે નગર સેવાસદન અને અંદાજીત 930 લાખના ખર્ચે સરકારમાં મંજુરી અર્થે મોકલેલ છે.

જ્યારે આગામી વર્ષના સર્વાનુંમતે પસાર કરવામાં આવેલા બજેટમાં 01 એપ્રિલ-2022ની સંભવિત ઉઘડતી સિલક રૂ.3,40,40,653.79 ની તથા 2022/23ની સંભવિત આવક 22,65,58,000 ની મળીને કુલ આવક રૂપિયા 26,05,98,653.79 સામે 2022/23નો સંભવિત ખર્ચ 19,38,99,000 નો અંદાજવામાં આવતાં 31 માર્ચ-2023ની સંભવિત બંધ સિલક 6,66,99,653.79 રૂપિયા અને પુરાંત રૂપિયા 3,26,59,000 રહેવાની ધારણા કરાઈ હતી.

આગામી વર્ષમાં થનારા વિકાસના કામો
થરાદ ન.પા.વિસ્તારમાં બાકી ભુર્ગભ ગટર માટે 600 લાખના ખર્ચે ડીઆરપી બનાવી સરકારમાં મોકલાશે, અમૃત 2.0 હેઠળ બાકી રહેલાં પાણી પુરવઠાનાં કામો, સોલાર પેનલ લગાવવા જીયુડીસીમાં દરખાસ્ત, એસબીએમ 2.0 હેઠળ પબ્લિક પે એન્ડ યુઝ, સ્ટ્રોમ વૉટર જેવાં કામો, વર્ષ 2022-23ની યુડીપી ગ્રાંટ 225 લાખ, 15 મું નાણાપંચ 150 લાખ અને વર્ષ 2022-23 જીલ્લા આયોજન 25 લાખના ખર્ચે રોડ, કમ્પાઉન્ડ વૉલ વિગેરે મળીને અંદાજીત 14 કરોડના ખર્ચથી વિવિધ વિકાસ કામો કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...