વિવાદ:થરાદ-ધાનેરા હાઇવે ઉપર ભોરડું ટોલપ્લાઝાનો સ્થાનિકોનો વિરોધ

થરાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોએ ચક્કાજાક કરતાં ત્રણ કલાક બાદ કામગીરી સ્થગિત કરવી પડી

થરાદ ધાનેરા હાઇવે પર શુક્રવારે કંપની દ્વારા ટૉલટેક્સ લેવાનું શરુ કરવામાં આવ્યું હતું. જો કે સોમવારે બંન્ને બાજુ ચક્કાજામ થયો હતો અને સ્થાનિકોના વિરોધ વચ્ચે મોટા વાહનોએ પણ અવરોધ ઉભો કરતાં ત્રણ કલાક બાદ કામગીરી સ્થગિત કરાવી દીધી હતી. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ધાનેરાથી થરાદને જોડતો 168 નંબરનો નેશનલ હાઇવે ઢોળાવ કાપીને ફોરલેન બનાવવામાં આવ્યો છે. જેના પર શુક્રવારે સવારથી નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાની મંજુરી પ્રાપ્ત કોરલ એસોસિયેટ કંપની દ્વારા આ હાઇવેથી પસાર થતાં વાહનોનો ટૉલટેક્સ લેવાનો પ્રારંભ કરાયો હતો.

જેનો સ્થાનિક ગ્રામ્યજનો અને વાહનચાલકોએ સોમવારે વિરોધ કરીને હોબાળો મચાવ્યો હતો. ભારતમાળા રોડની કામગીરી કરતા સ્થાનિક વાહનચાલકોએ તેમનાં વાહનો ઉભાં કરી દેતાં બંન્ને બાજુ બે-ત્રણ કિમીની લાંબી કતારો પણ લાગી હતી. આખરે ભારે વિરોધ પ્રદર્શિત કરાતાં ત્રણેક કલાક બાદ ટૉલ લેવાની કામગીરી બંધ કરવાની ફરજ પડી હતી.

આ અંગે ભોરડું ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ અને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મંત્રી દિલાવરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ‘ભોરડુ આજુબાજુના 20 ગામોના ખેડુત ગ્રામ્યજનોને બંન્ને ટાઇમ દુધ ભરાવવાથી માંડીને દરેક કામ માટે આખો દિવસ અવરજવર કરવી પડતી હોય છે. આથી તેમને ટૉલ પોષાય તેમ નથી. જો સ્થાનિકોને ટૉલ ફ્રી કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન પણ કરીશું. જો કે અત્યારે તમામ વાહનો ટૉલ ભર્યા વગર પસાર થઇ રહ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.’

અન્ય સમાચારો પણ છે...