દબાણો હટાવાયા:થરાદના ભલાસરામાં બે દિવસમાં 50 એકર દબાણ ખુલ્લું કરાયું

થરાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

​​​​​​થરાદના ભલાસરામાં બે દિવસમાં 50 એકર દબાણ ખુલ્લું કરાયું હતુ.ભલાસરામાં લોકો દ્વારા પંચાયતની ગૌચરની જમીનમાં દસેક વર્ષથી દબાણો કરવામાં આવ્યાં હતાં. આથી રસ્તાનો પ્રશ્ન ઉભો થયો હતો. આ અંગે ગ્રામ પંચાયતના તલાટી કરશનભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે ‘ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગ્રામ પંચાયતને દબાણ દુર કરાવવાની તાકીદ કરવામાં આવી હતી.

આથી ગ્રામ પંચાયત દ્વારા બુધ અને ગુરુવારના રોજ કાર્યક્રમ બનાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી મશીન વડે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે અમુક દબાણદારોએ પંચાયતની નોટીસના પગલે ફફડીને પોતાનાં દબાણો સ્વૈચ્છિક દુર કરી દીધાં હતાં.’ જ્યારે ડીઆઇએલઆર દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ ગ્રામપંચાયત દ્વારા વાડ સ્વરૂપનાં 50 એકર જમીનનાં દબાણો જેસીબીથી દુર કરાવવામાં આવ્યાં હતાં.

જ્યારે રસ્તા અને ગામતળનો સર્વે બાકી હોઇ એ પણ થઇ ગયા બાદ બાકીનાં તમામ દબાણ પણ દુર કરવામાં આવશે. ગામમાં દબાણનો મુદ્દો હાઇકોર્ટ સુધી પહોંચતાં પંચાયત દ્વારા 250 દબાણદારોને નોટીસ આપવામાં આવી હતી. આથી 100 થી વધારે પરિવારો 2002 થી જમીન કે પ્લોટ વિહોણા હોઇ તેની માંગણી કરવા વાહનોમાં ભરાઇને તાજેતરમાં તાલુકા પંચાયત કચેરીમાં દોડી આવ્યા હતા.

તલાટી કરશનભાઇએ જણાવ્યું હતું કે કેટલાક દબાણદારો પાસે રહેવા માટે મકાનની કોઇ વ્યવસ્થા નથી તેમને મફત પ્લોટ આપવાની વ્યવસ્થા પણ પંચાયત દ્વારા કરાશે.

અન્ય સમાચારો પણ છે...