થરાદની એસબીઆઇના આસિસ્ટન્ટ મેનેજરે ખેડૂતોના પાકધિરાણ નામે ઉપરી અધિકારીની મંજુરી પોતાની સત્તાથી વધારે લોન મંજુર કરી, ખેડૂતોને નહી આપી, ખેડૂતોના ફોર્મ તથા વાઉચરોમાં ખોટી સહીઓ કરી બેંકમાંથી રૂપિયા 2.85 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જે ઓડીટ દરમિયાન બેંકની હેડ ઓફિસના ધ્યાનમાં આવતાં તેની સામે રૂ. 1,30,49,665ની ઉચાપતનો ગુનો નોંધાયો હતો.
થરાદની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ફિલ્ડ ઓફીસર એગ્રીકલ્ચર આસીસ્ટન્ટ મેનેજર તરીકે ગિરીશ મણીલાલ પ્રજાપતિ (રહે.મહેસાણા) 29 ઓક્ટોબર-2018 થી 26 માર્ચ-2021 દરમિયાન ફરજ બજાવતા હતા. તેમને ફરજ દરમિયાન એગ્રીકલ્ચરને લગતી લોન કરવાની અને ખેડુતોને લોન ચુકવવાની કામગીરી કરવાની હતી. તે દરમિયાન તેણે ગ્રાહકની તેની સત્તાથી વધારે લોન મંજુર કરવાની થાય તો ઉપરી અધિકારીની મંજુરી લેવાની થતી હોવા છતાં તેણે કોઇ પણ ઉપરી અધિકારીની મંજુરી લીધી ન હતી.
અને વગર મંજુરીએ ખેડૂતોની લોન મંજુર કરી ખેડૂતોના લોનના ફોર્મ મંજુર કરી ખેડૂતોની લોન મંજુર કરી ખેડૂતોના ફોર્મ તથા વાઉચરોમાં ખેડૂતોની ખોટી સહીઓ કરી તેના આર્થિક લાભ સારું ખેડૂતોના એકાઉન્ટમાંથી વધુ લોનની રકમ મંજુર કરી હતી. તેમજ ખેડૂતોને લોનની ઓછી રકમ આપી હતી. તથા જે ખેડતોને વધુ લોનની જરૂરીયાત હોય તેને વધુ લોન મંજુર થઇ શકે તેમ ના હોય તેવા ખેડૂતોને વધુ લોનની રકમ આપી જે વધુ લોનની રકમ આપી તેના વ્યાજની રકમનો તેણે તેનો આર્થિક લાભ મેળવ્યો હતો.
પોતાની ફરજના કાર્યકાળ દરમિયાન તેણે રૂપિયા 2,85,88,997ની રકમની ઉચાપત કરી હતી. આ બનાવ અંગે સહાયક જનરલ મેનેજર ઘનશ્યામ ભક્તિરામ સોલંકી (રહે.બી-32 અક્ષતમ સોસાયટી, પાલનપુર)ની ફરિયાદના આધારે થરાદ પોલીસે ગિરીશભાઇ પ્રજાપતિ સામે ભ્રષ્ટાચાર અટકાવવાનો અધિનિયમ 13 (1) (C) ની આઇપીસી કલમ 409,420,465,467,471 મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને લઇને બેંક વર્તુળમાં ખળભળાટ પ્રસરી જવા પામ્યો હતો.
143 માંથી 84 ખાતાની સંપૂર્ણ રિકવરી કરાઈ
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે ગિરીશભાઇ પ્રજાપતિએ 143 ખાતામાંથી રૂપિયા 2,85,88,997 ની ઉચાપત કરી હતી. જે પૈકી બેંકની ઉચ્ચ ઓફીસ દ્વારા તપાસ હાથ ધરાતાં તેની પાસેથી રૂપિયા 1,55,39,232ની રિકવરી પણ થવા પામી હતી. જે હંગામી ઉચાપતને બાદ કરતાં અત્યારે તેણે રૂપિયા 1,30,49,665ની ઉચાપત કરી બેંકને નુકશાન કર્યું હતું.
ત્રણ મહિના પહેલાં આખો સ્ટાફ બદલી દેવાયો
પાકધિરાણ નામે બેંકના એક જવાબદાર કર્મચારી દ્વારા મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જે બેંકની હેડ ઓફિસના ધ્યાનમાં આવતાં તેને તાત્કાલિક અસરથી કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તથા બેંકના તમામ સ્ટાફની બદલી કરી દેવામાં આવી હતી અને તેમની જગ્યાએ મેનેજર અને ક્લાર્ક સહિત 10 જેટલા નવા સ્ટાફની નિમણુંક પણ કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.