સમસ્યા:થરાદના સાબાની કેનાલમાં 4 વર્ષથી પાણી નહીં મળતાં ખેડૂતોનો કચેરીમાં હોબાળો

થરાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાણી મુદ્દે ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો. - Divya Bhaskar
પાણી મુદ્દે ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો.
  • ખેડૂતોને સંતોષકારક જવાબ નહી મળતાં સાંજ સુધી કચેરી આગળ જ બેસી રહ્યા
  • સોમવાર સુધીમાં પાણી નહીં મળે તો ખેડૂતોને આત્મહત્યા કરવાની ફરજ પડશે

ચાર વર્ષથી સિંચાઇના પાણી માટે ટળવળતાં થરાદ તાલુકાના સાબા ગામના ખેડૂતોની વારંવાર સ્થાનિક કચેરીથી માંડીને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવા છતાં પણ તેમના પ્રશ્નોનો નિવેડો નહીં આવતાં ગુરુવારે કચેરીમાં આવી ઉગ્ર રજૂઆતો બાદ ખેડુતો કચેરી આગળ બેસી ગયા હતા. તેમજ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. મોડી સાંજે ધારાસભ્ય પણ દોડી આવ્યા હતા.

ચાર-ચાર વર્ષ છતાં જ તેમના પ્રશ્નનો કોઈ જ નીવડો નર્મદા તંત્ર દ્વારા લેવાતો નથી તેવા ઉગ્ર આક્ષેપો અને રોષ સાથે વધુ એક વખત ગુરુવારે ગામના ખેડુતો રજૂઆત કરવા માટે નર્મદા કચેરીમાં ધસી આવ્યા હતા. જ્યાં ઉગ્ર શબ્દોમાં ભારે અવાજે તેમની હૈયાની વેદના વ્યક્ત કરીને તેમની કોઈ જ રજૂઆત તંત્ર દ્વારા કેમ સાંભળવામાં આવતી નથી. અને ખોટાં આશ્વાસનો ક્યાં સુધી આપશો તેમ જણાવી કચેરીમાં ઉપસ્થિત અધિકારી-કર્મચારીઓને ક્યાં તો તમને સિંચાઇ માટે પાણી આપો અથવા નર્મદાની નહેર બંધ કરી દો આથી અમે નવી બનાવી આપવા માંગણી કરી શકીએ તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો. અગાઉની જેમ જ ઠાલા દિલાસાઓ અપાતાં રોષે ભરાયેલા ખેડૂતો મોડી સાંજ સુધી કચેરી આગળ બેસી રહ્યા હતા.

થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતને જાણ થતાં તેઓ પણ સાંજે ખેડૂતોના પક્ષમાં અધિક્ષક ઇજનેર સાથે રજૂઆત કરવા દોડી આવ્યા હતા. આ અંગે ખેડૂત નાથાભાઈ અને જગસીભાઇએ જણાવ્યું હતું કે ‘સોમવાર સુધીમાં જો નર્મદા વિભાગ દ્વારા તેમની કેનાલમાં છેવાડાના ખેડૂતના ખેતર સુધી પાણી નહીં મળે તો હાઈકોર્ટમાં જવાની અથવા તો ખેડૂતોને આત્મહત્યા કરવાની ફરજ પડશે. તથા ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.’

અન્ય સમાચારો પણ છે...