સરકારે કરોડો રૂપિયા ખર્ચીને કેનાલો બાંધવા છતાં થરાદ, વાવ અને સુઇગામના અનેક ખેડુતો નર્મદા વિભાગના અધિકારીઓની મનમાનીના કારણે પાણીથી વંચિત રહ્યા હોઇ આવા અધિકારીઓની બદલી કરી ખેડુતોને સાચા અર્થમાં આવક બમણી કરવામાં નિયમિત પાણી આપવામાં મદદરૂપ બને તેવા મુકવા માંગ ઉઠી રહી છે. થરાદના સાબાના ખેડૂતોને ચાર-ચાર વર્ષથી પાણી મળતું નહતું. ત્યારે ખેડુતોએ શુક્રવારે ભુખ હડતાળનું શસ્ત્ર ઉગામી કચેરીમાં રાત્રિ વિતાવતા ચાર ચાર વર્ષથી ન મળતું પાણી ચાર કલાકમાં મળ્યું હતું.
સાબાની માયનોર કેનાલ બની ત્યારથી પાણી મળતું નથી. આથી ખેડુતો અવારનવાર રજુઆતો કરતાં ખુદ નર્મદા વિભાગના ડાયરેક્ટર કાપડીયા સાંસદ પરબતભાઇ પટેલ સાથે ત્રણ વખત ગામમાં દોડી આવ્યા હતા. જ્યાં તેમણે ખેડુતોની રજુઆતો સાંભળી ખેડુતોની માંગણી મુજબ કામગીરી કરવાની થરાદના નર્મદાવિભાગને સુચના આપી હતી. જેને પણ વર્ષો વિતવા છતાં પણ સ્થાનિક તંત્ર ઉચ્ચ અધિકારીનો આદેશ ઘોળીને પી જતાં ખેડુતોનો પ્રશ્ન ઠેરનો ઠેર રહ્યો હતો. ખેડુતોએ શુક્રવારે કચેરીમાં રાત્રિ વિતાવી બીજા દિવસે તંબુ બંધાવી ધામા નાંખતાં અધિકારીઓ દોડતા થયા હતા. અને સાત પૈકી ચાર માયનોર કેનાલો બંધ કરાવીને સાબાના ખેડુતો માટે પાણી મોકલ્યું હતું.
તંત્ર આ કામગીરી અગાઉ પણ કરી શકતું હોવા છતાં ચાર ચાર વર્ષથી પાણીથી વંચિત રાખવાની આ નિતીથી ખેડુતોનો આક્રોશ વધારે ભભુક્યો હતો.વારાબંધી કરીને પાણી આપવાની જવાબદારી નર્મદા વિભાગની હોવા છતાં પણ તંત્રએ નિર્ણય કરવાને બદલે ખેડુતો પર નિર્ણય છોડીને ખેડુતોને અંદરોઅંદર લડાવવામાં આવી રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.