માંગણી:થરાદના 97 ગામોના ખેડૂતોએ સિંચાઇના પાણી માટે પ્રતિક ધરણાં યોજી આવેદનપત્ર આપ્યું

થરાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
થરાદમાં 97 ગામને સિંચાઈના પાણીના મુદ્દે ખેડૂતોએ  શનિવારે ધરણાં યોજ્યા બાદ આવેદનપત્ર પાઠવ્યું હતું. - Divya Bhaskar
થરાદમાં 97 ગામને સિંચાઈના પાણીના મુદ્દે ખેડૂતોએ શનિવારે ધરણાં યોજ્યા બાદ આવેદનપત્ર પાઠવ્યું હતું.
  • કોંગ્રેસ,આમઆદમી સહિતના અગ્રણીઓ દ્વારા લડાઇ વધુ સક્રિય બનાવવાની સરકારને ચીમકી

થરાદના 97 ગામોના ખેડૂતોએ સિંચાઇના પાણી માટે પ્રતિક ધરણાં યોજ્યા હતા.બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ પંથકમાંથી પસાર થતી નર્મદા નહેરના પૂર્વ વિસ્તારના 97 ગામોના તળ રિચાર્જ થાય અને ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી શકે તે માટે સરકાર દ્વારા સુજલામ સુફલામ કેનાલ સ્પ્રેડીંગ કેનાલ બનાવેલી છે. પરંતુ તેમાં પાણી અમુક સમયે જ છોડવામાં આવે છે. આથી, થરાદ તાલુકાના નર્મદાથી જમણા કાંઠા (પૂર્વ પટ્ટા)ના ખેડૂતો ઉંડા ગયેલાં ભુગર્ભ જળ વચ્ચે સિંચાઈના પાણીથી વંચિત રહયા છે.

થરાદ તાલુકા કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા શનિવારે થરાદ પ્રાંત કચેરી ખાતે પ્રતિક ધરણાં અને આવેદનપત્રના કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું હતું. જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ જોડાયા હતા.નાયબ કલેકટરને સંબોધીને સરકારને આપેલા આવેદનપત્રમાં ખેડૂતોએ પાણીના અભાવે તેમની સ્થિતીનું વર્ણન કર્યું હતું.જ્યારે રાજકીય આગેવાનોએ બે ચાર દિવસ સુધી ચૂંટણી સમયે કોઈ રાજકીય કાર્યક્રમ પૂર્વે તે પુરો થયા પછી પાણી છોડીને બંધ કરવામાં આવતું હોવાના પ્રહારો કર્યા હતા.તમામ ગામોને નર્મદા પંપીગ દ્વારા પાણી પુરુ પાડવા માટે અને દરેક ગામોના તળાવોને પાણીથી ભરી રાખવાની સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી હતી.

તેમજ સીપુ ડેમ ભરવા માટે પાઇપલાઇન ધરાવતી યોજના કુદરતી સિદ્ધાંત વિરોધ અને ટેકનિકલ રીતે ખોટી હોઇ આ પાઈપલાઈનનું પાણી સુજલામ સુફલામ યોજના હેઠળ કાચી શહેરમાં છોડીને ખેડૂતોની માંગણી સંતોષવાની માંગ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં સમિતિના પ્રમુખ જોરાવરસિંહ ચૌહાણ, કન્વીનર માંગીલાલ પટેલ, મહામંત્રી થાંનાભાઈ પટેલ, કોંગ્રેસ અગ્રણી ડી.ડી.રાજપુત, પથુભાઈ રાજપુત, આંબાજી સોલંકી, કિસાન સંઘના પુર્વ પ્રમુખ માધાજી ચૌધરી, જિલ્લા પંચાયતના પુર્વ સદસ્ય ભીખાભાઇ પટેલ સહિત રાજકીય અને ખેડૂત અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...