લાખણી હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા એક જવાનની વિધવા માતાને જેતડાથી બાઇક પર બેસાડી સેદલાની સીમમાં લઇ જઇને એક અજાણ્યા બાઇકના ચાલકે ચાંદીની 4500 રૂપિયાના બે કડાની લૂટ કરી ફરાર થઇ ગયો હતો.
ભાભર તાલુકાના અબાસણા ગામના ચોથીબેન કાનજીભાઇ પુરોહિત શનિવારે ગેળા મુકામે પુત્રી વર્ષાબેનને મળવા માટે ગયેલ હતા. ત્યાંથી સવારના દસ વાગે વર્ષાબેનના ઘરેથી જેતડા પોસ્ટ ઓફિસમાં વિધવા સહાયના પૈસા લઈને ચાલતા ફરી પાછાં ગેળા જવા માટે જેતડા ગામની ડેરી પાસે આવ્યાં હતાં.
આ વખતે આવેલા આશરે 25 થી 30 વર્ષના પેન્ટ શર્ટ પહેરેલા એક અજાણ્યા બાઇકના ચાલકે માજી, હું તમને ઓળખું છું તમારે ક્યાં જવું છે તેમ કહેતાં તેણીએ પેપરાલ જવાનું જણાવતાં તેણે હું પેપરાલ જાઉં છું તમે બાઈક પર બેસી જાઓ તમને ઉતારી દઈશ તેમ કહી તેના બાઇક પર બેસાડી દીધા હતા. આગળ જતાં એક ચરેડામાં બાઇક ઉભી રાખતાં કેમ અહીં બાઇક ઉભું રાખેલ છે તેમ પુછતાં તેણે મારી પત્ની રીસામણે છે, એટલે તમે ત્યાં મનાવવા આવો જો તે માની જાય તો તેમ કહી નીચે ઉતરવાનું કહેતાં તેણી નીચે ઉતર્યા હતા.
અને તેણી કંઇ સમજે તે પુર્વે થોડીવારમાં અજાણ્યા બાઇકના ચાલકે તેણીને નીચે પાડી મોઢું દબાવી બળજબરીપુર્વક તેમના હાથમાંથી ચાંદીના રૂ. 4500ની સો ગ્રામના કઢા લઇ લુંટ કરી નાસી છુટયો હતો.બુમાબુમ કરતાં માણસો દોડી આવતાં સંબંધી વિષ્ણુભાઈ રાજારામ પુરોહિતને ફોન કરીને વૃદ્ધાના પુત્ર ભુરાભાઈ કાનજીભાઈ પુરોહિતને જાણ કરતાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.