થરાદ ડેપોમાં વર્ષોથી પાણીની સમસ્યાને લઇને GSRTC દ્વારા નવિન બોર મંજુર કરવામાં આવતાં લગભગ એક મહિનાથી બોર તૈયાર પણ થઇ ગયો છે. તેમ છતાં પણ તેને ચાલુ કરવામાં નહી આવતાં અનેક તર્કવિતર્કો ચર્ચાસ્પદ બન્યા છે. બીજી બાજુ ડેપોમાં છતે બોરે કર્મચારીઓ માટે ટેન્કરથી પાણી લાવવું પડતું હોઇ તેમનામાં ભારે રોષની લાગણી પ્રસરેલી જોવા મળી રહી છે.
માર્ચના પહેલા સપ્તાહમાં વિભાગીય નિયામક કે.એચ.ચૌધરી, નાયબ ઈજનેર, સિવીલ સુપરવાઈઝર તેમજ ડેપો મેનેજર ભરતભાઇ ચૌધરી તથા માન્ય ત્રણેય સંગઠનોના હોદ્દેદારો અને કર્મચારી ઉપસ્થિતિમાં નવિન બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેના ચારેક દિવસમાં બોરની કામગીરી પુર્ણ પણ કરી દેવામાં આવી હતી. તેમ છતાં પણ બોર ચાલુ કરવામાં નહી આવતાં ડેપોમાં ચર્ચાઓ ઉઠવા પામી છે. અત્રે નોંધનીય છે કે અગાઉ જ્યારે કોલોની હતી ત્યારે પાણી માટે બોર હતો.
પરંતુ તે ફેલ થતાં થરાદ ડેપો દ્વારા મેળવાતા ધરોઇ જુથ યોજનાના પાણીનો ફોર્સ પુરતો મળતો નહી હોવાથી કર્મચારીઓને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. પાણીના અભાવે ડેપોની પરબમાં ઘણીવાર વેચાતું પાણી લાવવું પડતું હતું. તેમજ શૌચાલયને પણ તાળાં મારવાં પડતાં હોઇ કર્મચારીઓ અને મુસાફરોને પણ હાલાકીઓ ભોગવવી પડતી હતી. આથી ડેપો મેનેજર ભરતભાઇ ચૌધરીની વારંવાર માંગણીથી GSRTC દ્વારા બોર મંજુર કરવામાં આવ્યો હતો. બોરની કામગીરી કયારનીય પુર્ણ થઇ જવા છતાં પણ તે ચાલુ કરવામાં આવતો નથી.
બીજી બાજુ ઉનાળાની સાથે સાથે પાણીની જરૂરીયાત સંતોષવા ડેપોમાં છતે બોરે પૈસા ખર્ચીને પાણી લાવવું પડતું હોઇ કર્મચારીઓમાં પણ કચવાટની લાગણી પ્રસરવા પામી છે. જો કે આ અંગે બોર કોન્ટ્રાક્ટર ભરતભાઇ પ્રજાપતિએ જીએસઆરટીસીમાંથી બોરની કામગીરીની રકમ નહી મળી હોવાનું તેમજ કામગીરી પુર્ણ કરવાની લિમીટ ચાર મહિનાની હોવાનું કારણ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.