ડીસાના લક્ષ્મીપુરા ગામના રવજીભાઈ માનસુંગભાઈ વારેચા (અનુ.જાતિ) ગામમાં કરીયાણાની દુકાન ચલાવે છે. ત્યારે ગામના દિનેશભાઈ લાખાજી જાટ તથા કાંતિભાઈ લાખાજી જાટ બંને જણા ઘણા સમયથી ઉધારમાં ઘર સામાન લઈ જાય છે. તેઓ ઘણા સમયથી પૈસા આપતા ન હોઇ તેમની પાસેથી 28 હજાર લેવાના નીકળે છે. થોડા દિવસ પહેલાં રસ્તામાં મળેલા દિનેશભાઈ લાખાજી પાસે કરિયાણાના સામાનની પૈસાની ઉઘરાણી કરતાં જાતિવાચક અપમાન જનક શબ્દો બોલ્યા હતા.
મંગળવારના સવારના આઠ વાગ્યાના સુમારે ધાનેરા તેમની દુકાને જવા નીકળેલા રવજીભાઈને તેમના ભાઇ હરેશભાઈને દિનેશભાઈ લાખાજી જાટ તથા કાંતિભાઈ લાખાજીના તબેલામાં બાંધેલો છે અને માર મારેલ છે એવું જાણવા મળ્યું હતું. આથી તેઓ પોતાની માતા તથા કાકા સાથે દિનેશભાઈ લાખાજી જાટના તબેલામાં જતાં માથામાં બોથડ હથિયાર વડે ઇજાના કારણે હરેશભાઈ બેભાન અવસ્થામાં જમીન પર પડેલો મળ્યો હતો. આ વખતે ખેતરમાં તબેલા પાસે નારણાજી ખેંગારજી જાટ, લાખાજી ખેંગારજી જાટ, દિનેશભાઈ લાખાજી જાટ, કાંતિભાઈ લાખાજી જાટ, પ્રભુજી ખેંગારજી જાટ તથા ધનાજી પ્રભુજી જાટ વિગેરે હાજર હોઇ તેમને બનાવ સંબંધે કોણે માર્યું છે તેવું પુછતાં એક તો પુરો કરી નાખેલ છે તેને અહીંથી લઇ જાવ નહીંતર તમારા પણ આવા હાલ થશે તેવી ધમકીઓ આપી હતી. આથી ઇજાગ્રસ્ત હરેશભાઈને પાલનપુર ખસેડાયો હતો. આગથળા પોલીસે છ વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.