થરાદના ડુવામાં દિકરીની સગાઇ બીજે કરવાની અદાવતમાં કુંટુંબી બનેવી મધરાતે વાહનોમાં જીવલેણ હથિયારો સાથે ધસી આવ્યા હતા. અને દિકરીના પરિવાર પર હુમલો કરી તેનું અપહરણ કરી લઇ જતાં થરાદ પોલીસ મથકે પાંચ શખસો સામે ગૂનો નોંધાવાયો હતો.
ડુવા ગામના લાધુસિંહ અરજણસિંહ વાઘેલાની નાની બહેન રકમબાઇની સગાઈ બે મહિના પહેલાં સુઇગામ તાલુકાના ધનાણા ગામે રહેતા રવિન્દ્રસિંહ ખેતુભા ચૌહાણ સાથે કરેલ હતી. ત્યારે શુક્રવારે સાંજે પોતાની બંને બહેનો, પત્નિ અને પિતાજી જમીને ખેતરમાં બનાવેલ રહેણાંક મકાનમાં સુતેલ હતા. આ વખતે રાત્રિના બે વાગ્યાના સુમારે બુમાબુમ થતાં તેઓ જાગતાં તેમના કુટુંબી બનેવી શંભુસિંહ ખમણસિંહ સોઢા તથા તેમના ભાઈ નખતસિંહ ખમણસિંહ સોઢા, ખમણસિંહ ઇન્દરસિંહ સોઢા, અરજણસિંહ ઇંદરસિંહ સોઢા (તમામ રહે.દેદુસર,તા.ચૌહટન,જી.બાડમેર-રાજસ્થાન) તેમની સાથે આઠથી દસ માણસો હાથમાં ધોકા, લાકડી અને પાઈપો જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા.
લાધુસિંહ પાસે આવી તારી બહેન રકમબાઇ ક્યાં છે, તેની સગાઈ અમારા ઘરે કરવાની વાત કરી હોવા છતાં તમે બીજે કેમ સગાઇ કરી દીધેલ તેમ કહી અપશબ્દો બોલી રકમબાઈની સગાઈ અમારે ત્યાં નક્કી કરેલ છે. તેમ કહીને બળજબરીપુર્વક ઘરમાં પ્રવેશ કર્યો હતો. તેમને ઘરમાં જવાની ના પાડતાં શંભુસિંહે લોખંડની પાઇપ માથાના કપાળ તથા ડાબા પગ પર ફટકારતાં તેઓ નીચે પડી ગયા હતા. આ વખતે આવેલા માણસોએ લાકડીથી માર માર્યો હતો.
જો કે વધુ હોબાળો થતાં બંને બહેનો તથા પત્ની છોડાવવા સારુ વચ્ચે આવતાં બહેન બીબાબાઇ તથા તેમની પત્ની પર પણ આવેલા માણસોએ હુમલો કરી ઇજા પહોંચાડી નીચે પાડી દીધી હતી. તેમજ રોડ પર તેમની કાર અને જીપ જેવાં વાહનો ઉભા રાખી આવેલા શખસો રકમબાઈને ઉપાડીને જીપમાં નાંખી અપહરણ કરી લઇ જતા રહ્યા હતા. ઢાળીયે રહેલા પિતાજી પાસે લાધુસિંહ જતાં તેમના માથામાં પણ લોહી નીકળતું હતું. કોઈએ તેમને પણ આડેધડ લાકડીઓ મારી હતી. આથી તેમને સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. લાધુસિંહએ પાંચ શખસો સામે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.