હોબાળો:ભોરડું ટોલપ્લાઝા પર પાંચ દિવસ સુધીમાં નિર્ણય લેવા અલ્ટીમેટમ

થરાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટૉલમુક્તિની માંગ છતાં પણ ટોલ લેવાતાં લોકો વિફર્યા

ભોરડું ટોલપ્લાઝા પરથી પસાર થતાં વાહનોનો ટૉલટેક્સ લેવાનો પ્રારંભ કરાયો હતો. સ્થાનિકોની ટૉલમુક્તિની માંગ છતાં પણ વાહન ચાલકો પાસેથી રૂપિયા લેવાતાં ગુરુવારે લોકો વિફર્યા હતા અને પાંચ દિવસ સુધી નિર્ણય લેવા સ્થાનિકોએ અલ્ટીમેટમ આપ્યું હતું.

ગુરુવારે ફરીથી આજુબાજુના દસથી પંદર ગામના ગ્રામજનો દોડી આવ્યા હતા અને ચક્કાજામ કરી ફરીથી વિરોધ કરી હોબાળો મચાવ્યો હતો. તેમજ જો સોમવાર સુધી સ્થાનિકોને ટૉલમુક્તિનો નિર્ણય કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. આ અંગે ભલાસરાના વેલાભાઇ કાંદળીએ જણાવ્યું હતું કે ‘રાહ, ખેંગારપુરા, દેલનકોટ, ભલાસરા, છનાસરા, કમાલી, ચાંગડા જેવા અનેક ગામોમાંથી રોજીદું થરાદ અવર-જવર કરવાની થતી હોય છે.

ભોરડુમાં બેંક હોઇ મંડળીઓના કામકાજ માટે આવવાનું હોય છે. આથી આજુબાજુના ગામડાંને ટૉલમુક્ત કરવાની વિનંતી કરી છે. કંપની દ્વારા પણ આશ્વાસન અપાયું છે. પરંતુ જો નિર્ણય નહી લેવાય તો સમગ્ર હાઇવે બ્લોક કરી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન છેડીને ન્યાય મેળવીને જ ઝંપીશું.’

અન્ય સમાચારો પણ છે...