રજૂઆત:થરાદમાં જુની પેન્શન યોજના ચાલુ કરવા ટીપીઇઓને આવેદન અપાયું

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થરાદ પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ દ્વારા સરકારને રજૂઆત કરાઈ

થરાદ તાલુકા પ્રાથમિક શિક્ષકસંઘ દ્વારા જુની પેન્શન યોજના ચાલુ કરવા માટે ગુરુવારે TPEO થરાદને આવેદનપત્ર આપી સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં સાતમા પગાર પંચના લાભો સમગ્ર દેશમાં સમાનરૂપે આપવા, જુદા જુદા નામથી રાજ્યોમાં ફરજ બજાવતા કરાર આધારિત શિક્ષકોને નિયમિત કરવાની ખાતરી તથા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં શિક્ષક વિરોધી જોગવાઈઓ દુર કરવાની મુખ્ય માંગણી કરાઇ હતી.

થરાદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગુરુવારે ટીપીઇઓને આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે મંત્રી સુરેશભાઈ દવેએ જણાવ્યું હતું કે અખિલ ભારતીય પ્રા.શિ.સંઘ દ્વારા જુની પેન્શન યોજના ફરીથી તાત્કાલિક ચાલુ કરવી, ગુજરાત રાજ્ય પ્રા.શિ.સંઘ દ્વારા એસપીએલ રજા બાબતે નિર્ણય થવા, તા.27 એપ્રિલ-2021 પહેલાં ભરતી થયેલ શિક્ષકોને નિવૃત્તિ સામે કાયમીના આદેશ થવા, દસ વર્ષના બોન્ડમાં ભરતી થયેલા શિક્ષકોની બોન્ડની મર્યાદા ઘટાડવા, એચ.ટાટ તથા પ્રાથમિક શિક્ષકોના મહેકમના સેટઅપની સંખ્યા સુધારવી, બદલીના નવા નિયમો ઝડપથી બહાર પાડવા તથા કોરોનાના કારણે સીસીસી પરીક્ષા લેવાયેલ ન હોય તો 31 ડિસેમ્બર-2020 પછી મુદતમાં વધારો કરવા બાબતે માંગણીઓ કરવામાં આવી હતી.’

આ કાર્યક્રમમાં તાલુકા સંઘના ઉપપ્રમુખ પ્રદીપભાઇ પટેલ, મંત્રી એસ. જી.દવે, પ્રવીણભાઈ રાજગોર, આચાર્ય શિવરામભાઈ (થરાદ-1), મહેશભાઈ મણવર, હરેશભાઈ ભાટી (સી.આર.સી.) તેમજ અન્ય હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બનાસ જ્યોતનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...