તસ્કરી:થરાદના લેંડાઉના આધેડને બે અજાણ્યા શખ્સોએ રૂમાલ સંુઘાડીને લૂંટી લીધા

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાનમાં રહેલી સોનાની બે મરકીઓ અને 10,000 રૂપિયા રોકડ લઈ લીધી

થરાદ તાલુકાના લેંડાઉ ગામના આધેડને એક સપ્તાહ પહેલાં બે શખસો રૂમાલ સુંઘાડી આધેડ સાનભાન ગુમાવી દેતા યુવકોએ તેમને કાનમાં પહેરેલી સવાભારની બંને મરકીઓ સહિત 10 હજાર રૂપિયા લઇ ફરાર થઇ ગયા હતા. જ્યારે ચાર દિવસે આધેડ એકદમ સ્વસ્થ થતાં શનિવારે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. થરાદ તના લેંડાઉ ગામના ખગારભાઈ જેહાભાઈ એપા એક સપ્તાહ પહેલાં ગામની દૂધ મંડળીથી દૂધના પગારના 10 હજાર રૂપિયા રોકડ લઈને થરાદ આવીને હનુમાન ગોળાઈ જીપમાંથી ઉતર્યા હતા. આ વખતે બે અજાણ્યા શખ્સોએ તેમને રૂમાલ સુંઘાડતાં તેઓ સાનભાન ગુમાવીને યુવકોએ ચાલો કાકા તેમ કહેતાં તેમની પાછળ પાછળ ફરતા રહ્યા હતા.

આ અંગે તેમણે થરાદ પોલીસને વર્ણવેલી કેફિયત પ્રમાણે યુવકો પ્રથમ ટાંડા તળાવની પાળે લઈ ગયા હતા. જ્યાંથી લોરવાડા ગામની જીપસ્ટેન્ડથી જુના આરટીઓ ચેકપોસ્ટની પાસે આવેલા પાણીના સંપ પાસે લઈ ગયા હતા. જ્યાં અજાણ્યા યુવકોએ તેમના કાનમાં પહેરેલી અંદાજિત 63 હજાર રૂપિયાની કિંમતની સોનાની સવાભારની બંને મરકીઓ કાઢી લીધી હતી. તેમજ તેમની પાસે રહેલા 10,000 રૂપિયા પણ લઈ લીધા હતા. વસ્તુઓ અને રોકડ લીધા બાદ બંને યુવકો જતા રહેતા તેઓ અર્ધબેભાન અવસ્થામાં બે કલાક સુધી બાવળ નીચે પડી રહ્યા હતા.

ત્યારબાદ ફરીથી થોડું ભાન આવતાં બજાર આવ્યા હતા. જ્યાં મળેલો પુત્ર તેમને ઘરે લઈ ગયો હતો. ઘરે ગયા પછી પણ ચારથી પાંચ દિવસ સુધી તેમની માનસિક અવસ્થા ગુમાવી દીધી હતી. ત્યારબાદ બધું યાદ આવતા થરાદ પોલીસ મથકમાં આ બનાવ અંગે જાણ કરી પોલીસે નિવેદન લઇ સીસીટીવી કેમેરા ચેક કરવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...