આયોજન:થરાદ માર્કેટયાર્ડ દ્વારા 71 ગામોમાં 15000 રોપાનું વાવેતર કરાશે

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

થરાદ સહિત જીલ્લામાં સાંસદ પરબતભાઇ પટેલની અધ્યક્ષતા અને માર્ગદર્શન મુજબ વડાપ્રધાનના જન્મદિવસને લઈને ઠેરઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે સવારે વડાપ્રધાનના આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે ગાયત્રી પરિવારના સહયોગથી ગાયત્રીમંદિરમાં રાજ્ય યોગબોર્ડ અને થરાદ શહેર ભાજપ દ્વારા યોગ, યજ્ઞ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે યોગા ટ્રેઈનરને સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં. તદુપરાંત થરાદ તાલુકાના લુણાલ ગામે તાલુકાકક્ષાનો વનમહોત્સવ માર્કેટ કમિટિ દ્વારા યોજાયો હતો.

જેમાં વિવિધ પ્રકારના અંદાજીત 500 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત માર્કેટયાર્ડ ખાતે પાલિકા વિસ્તારનો અને રાહ ગામમાં તાલુકાકક્ષાના ઉજ્જવલા યોજના કાર્યક્રમમાં ચાર હજાર જેટલા લાભાર્થીઓને ગેસ કનેકશન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તદુપરાંત બાળકોને મુખ્યમંત્રી બાળસેવા યોજના સહાય તથા થરાદ રેફરલ હોસ્પિટલમાં અને નગરના વિસ્તારોમાં દર્દીઓ અને ગરીબ પરિવારોને મીઠાઈ અને ફ્રૂટ વિતરણ, વૃક્ષારોપણ અને કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.

મહિલા મોરચા દ્વારા શ્રી હડકવાઇ માતાજીના મંદિરે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. 71 ગામોમાં શાળાઓ સહિત જાહેર જગ્યાઓમાં માર્કેટયાર્ડ દ્વારા 15 હજાર વૃક્ષો વાવેતર કરવાનું આયોજન પણ થરાદયાર્ડના ચેરમેન પરબતભાઇ પટેલ અને બોર્ડઓફ ડીરેક્ટર્સ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં થરાદ તાલુકા અને શહેર તથા યુવા મોરચાના ભાજપના હોદ્દેદારો, અગ્રણીઓ તથા નાયબ કલેકટર વી.સી બોડાણા, મામલતદાર દિપક દરજી, નાયબ મામલતદાર (પુરવઠા) વિનોદભાઈ ગોકલાણી સહિત કર્મચારીઓ અને બનાસબેંકના ડીરેક્ટર શૈલેષભાઇ પટેલ, ભારત ગેસ એજન્સીના સંચાલક નરસિંહભાઈ ચૌધરી, એચપી ગેસ એજન્સી ભોરોલના દેવીદાન ગઢવી સહિત પ્રજાજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...