તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:સુઇગામ-લીંબુણી નજીક નીલગાય આડી આવતાં કાર પલટી ગઈ: કાકા-ભત્રીજાના મોત; 3ને સારવાર અર્થે ખસેડાયા

સુઇગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મંગળવારની રાત્રીએ રસ્તા વચ્ચે નીલગાય આડી આવતાં સ્વીફ્ટ કાર પલટી ખાતાં 2ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. - Divya Bhaskar
મંગળવારની રાત્રીએ રસ્તા વચ્ચે નીલગાય આડી આવતાં સ્વીફ્ટ કાર પલટી ખાતાં 2ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.
  • એક ભાઈને તાવ આવતાં બોરુથી સુઈગામ સારવાર માટે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો

સુઇગામના છેવાડાના બોરું ગામના એક વ્યક્તિને રાત્રીના સમયે તાવ આવતાં સ્વીફ્ટ કારમાં સારવાર માટે લઈ આવતાં સુઇગામ-લીંબુણી ક્સ્ટમ હાઇવે ઉપર રસ્તા વચ્ચે નીલગાય આડી આવતાં કારને બ્રેક મારતાં કારમાં સવાર 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય 3 વ્યક્તિઓ ઘાયલ થતાં બનાવને પગલે ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

દવાખાને જતા થયો અકસ્માત
સુઇગામ તાલુકાના બોરું ગામના ભરતભાઇ ધરમસીભાઈ જાખેસરાને મંગળવારની રાત્રીના સમયે ખૂબ જ તાવ આવી ગયો હતો અને ગભરામણ થતાં આ અંગે તેમણે પરિવારને કહેતાં સુઇગામ સારવાર માટે તેમના કુટુંબી ભાઈ રમેશભાઈની સ્વીફ્ટ કાર નંબર જીજે-02-બીડી-9916ને લઈ ભરતભાઈને બેસાડી તેમની સાથે તેમની માતા અંબાબેન, પિતા ધરમસીભાઈ, નાના ભાઈ બળદેવભાઈ તેમજ તેમના કુટુંબી ભાઈ પ્રેમાભાઇને લઇ રાત્રીના સાડા બારના સમયે સુઇગામ રવાના થયા હતા.

નીલગાયને બચાવવા જતા થયો અકસ્માત
ત્યારે લીંબુણી પાટિયાથી આગળ સુઇગામ તરફ રોડ સાઈડમાંથી અચાનક એક નીલગાય રોડ પર આવી જતાં તેને બચાવવા કાર ચલાવતા બળદેવભાઈએ બ્રેક મારતાં સ્વીફ્ટ કાર ક્સ્ટમ હાઇવે પર પલટી ખાઈ જતાં કારમાં સવાર બીમાર ભરતભાઈના પિતા ધરમસીભાઈ જાખેસરા અને પ્રેમાભાઈ શંકરભાઇ જાખેસરા બન્નેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં બન્નેના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. જ્યારે કારમાં સવાર અંબાબેન, ડ્રાયવર બળદેવભાઈ તેમજ બીમાર ભરતભાઇને નાની મોટી ઇજાઓ થઇ હતી.

પોલીસે ભાઈ વિરુદ્ધ ગુનો નોંધ્યો
મધ્યરાત્રીના સમયે નિર્જન રણ અને ક્સ્ટમ હાઇવે પર બનેલી અકસ્માતની કરુણ ઘટનાના સમાચારને પગલે બોરુથી કુટુંબીજનો દોડી આવી ઇજાગ્રસ્તોને સુઇગામ સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યારે બન્ને મૃતક કાકા-ભત્રીજાની લાશને રેફરલમાં પી.એમ. કરાવી અંતિમવિધિ કરાઈ હતી. આ અંગે ભરતભાઇ જાખેસરાએ સુઇગામ પોલીસ સ્ટેશને કાર હંકારી રહેલા પોતાના ભાઈ બળદેવભાઈ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...