ફરિયાદ:નેસડા ગામના વ્યક્તિને ચૂંટણીની અદાવતમાં 7 શખ્સોએ ફટકાર્યો

સુઇગામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો,સાત સામે ફરિયાદ

સુઇગામ તાલુકાના નેસડા (ગો) ગામના એક વ્યક્તિને ભરડવા ગામના સાત શખસોએ ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવત રાખી ધોકા અને ગડદા પાટુનો માર મારતા સાતેય વિરુદ્ધ સુઇગામ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે. જ્યારે ઇજાગ્રસ્તને સારવાર અર્થે થરાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

સુઇગામ તાલુકાના નેસડા ગામના પ્રવીણભાઈ ભૂરાજી રાજપૂત બુધવારે સુઇગામમાં કામ અર્થે આવેલ હતા. જેઓ બપોરે પરત ફરતાં ભરડવા ગામ તળાવ પાસે આવેલ સમલિયા ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા રોકાયા હતા. જે સમયે બે બાઈક પર ચાર શખસો ત્યાં હાથમાં ધોકા લઈ આવ્યા હતા. જેમાં ભરડવા ગામના નિતરાજસિંહ પ્રવિણજી રાજપૂત, કિરણજી ભૂરાજી રાજપૂત, પ્રહલાદસિંહ ઘેગાજી રાજપૂત તેમજ અન્ય એક શખસે આવી પ્રવીણભાઈને કહેલ કે તને ભરડવામાં આવવાની ના પાડેલ છે કેમ આવ્યો છે.

પંચાયતની ચૂંટણીમાં તેના મામાનો પ્રચાર કરી અમને હરાવ્યા છે એમ કહી ઝપાઝપી કરવા લાગ્યા હતા. ત્યાં બીજા 3 શખસો પણ આવી ગયા અને તેઓએ ભેગા મળી ધોકા અને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. ત્યારે બુમાબુમ કરતાં પ્રવિણભાઇના મામાના દીકરાઓ દોડી આવેલા અને વધુ મારથી છોડાવ્યા હતા. ઈજાગસ્ત પ્રવીણભાઈ રાજપૂતને સુઇગામ રેફરલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે થરાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જે અંગે ભરડવાના 3 અને અન્ય 4 મળી સાત શખસો વિરુદ્ધ સુઇગામ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...