થોડા દિવસ અગાઉ વડગામ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા ચૌધરી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી હતી. ત્યારે વડગામના ભાજપ પ્રમુખ પ્રવિણસિંહ રાણાને હોદ્દા ઉપરથી દૂર કરવાની ચૌધરી સમાજના યુવાનો માંગ સાથે એકઠા થયા હતા. મોટી સંખ્યામાં ભેગા થયેલા યુવાનોએ પ્રદેશ ખાતે નેતાઓ સાથે મુલાકાત કરવા માટેની વાતચીત થતા જિલ્લા ભાજપના કાર્યાલયનો ઘેરાવો કરવાનો કાર્યક્રમ બંધ રાખ્યો હતો. તેમજ સાંજે 4 વાગ્યે ગાંધીનગર ભાજપના પ્રદેશ કક્ષાના નેતાઓ સાથે ચૌધરી સમાજના યુવાનો મુલાકાત કરી સમગ્ર મામલે રજૂઆત કરશે. જો આજે કોઈ નિર્ણય નહીં થાય તો આગામી 18 તારીખે કમલમનો ઘેરાવો કરવાની યુવાનોએ ચીમકી ઉચ્ચારી હતી.
આ અંગે યુવા અગ્રણી સાગર ચૌધરીએ જણાવ્યું હતું કે, આજરોજ પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય ઘેરાવનો કાર્યક્રમ અંજણા ચૌધરી સમાજના યુવા પ્રતિનિધિ દ્વારા આપવામાં આવ્યો હતો. વડગામ તાલુકા ભાજપના પ્રમુખ દ્વારા અંજણા ચૌધરી સમાજને ના શોભે, અન્ય કોઈ પણ સમાજને ના શોભે તેવી અશોભનીય ટિપ્પણી કરેલી એના વિરુદ્ધની અંદર ચૌધરી સમાજના પ્રતિનિધિઓ દ્વારા પ્રદેશ કક્ષાએ વિવિધ રજુઆતો કરેલી અને મંગણી મુકેલી. ભારતીય જનતા પાર્ટી દ્વારા વડગામ તાલુકાના ભાજપ પ્રમુખને પદેથી સસ્પેન્ડ કરવામાં આવે.
સાગર ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, અમને કોઇ જ્ઞાતિનો વિરોધ નથી. એજ જ્ઞાતિનો બીજો પ્રમુખ તરીકે આવતો હોય તો અમને વાંધો નથી. જાહેર જીવનનો વક્તિ આ શબ્દો બોલે તે કોઈ પણ સમાજને શોભે નહીં. એને ધ્યાનમાં રાખીને ગત 30 તારીખે કાર્યક્રમ નું આયોજન રાખેલું હતુ, પરંતુ અંજણા ચૌધરી સમાજના રાજકીય મૂરબ્બી આગેવાનોની વિનંતી હતી કે 10 દિવસ ધૈર્ય રાખો. 10 દિવસમાં પ્રદેશ કાર્યાલયથી યોગ્ય નિર્ણય લેવાશે. પરંતુ તે બાદ પંદર દિવસ સુધી નિર્ણય ન લેવાતા આજરોજ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઘેરાવાના કાર્યક્રમ રખાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.