શ્રદ્ધા:ગુરુવારથી શરદીય નવરાત્રીનો આરંભ, જિલ્લાના માં અંબાના મંદિરોમાં શ્રદ્ધા ઝળકશે

પાલનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં આસો નવરાત્રિનું પર્વ ભક્તિભાવ સાથે ઉજવવા માટે ભક્તોમાં અનેરો થનગનાટ છે. જિલ્લાના 14 તાલુકાના 1200થી વધુ ગામોમાં ભવ્ય ભાતીગળ નવરાત્રિની આસ્થા સાથે ઉજવણી થાય છે એમાંય ગામના મુખ્ય મંદિરમાં તો શ્રદ્ધાનું જાણે કે ઘોડાપુર ઉમટ્યું હોય તેવો નજારો સર્જાય છે. જોકે કોરોના વૈશ્વિક મહામારીની અસર એવી થઈ છેકે ભક્તો આ વર્ષે મોટાપાયે નહિ પણ સાદગીથી નવરાત્રીનું આયોજન કરવા ઉત્સુક છે. ચાચર ચોકમાં અવનવી રંગોળી, તો વળી ક્યાંક ડીજે અને સાઉન્ડ સીસ્ટમ સાથે તો વળી ક્યાંક ડ્રેસકોડ સાથેની નવરાત્રીના આયોજનો થનાર છે. નવરાત્રીની તડામાર તૈયારો શરૂ થઈ ગઈ છે.

નવાબી અંબાજી મંદિરમાં દર આઠમે લોકો ગરબીઓ મૂકે છે
પાલનપુરના પાતાળેશ્વર મંદિર જવાના માર્ગ પર નવાબ સમયનું પ્રાચીન અંબાજી મંદિર આવેલું છું. જે ગામનું મુખ્ય મંદિર છે. સમગ્ર પાલનપુર શહેરના લોકો અહીં દર્શન કરવા આવે છે. મંદિરના પૂજારી લાલાભાઈએ જણાવ્યું કે, આ નવરાત્રીએ કોઈ મોટું આયોજન નથી પણ પરંપરાગત ગુરુવારે ઘટ સ્થાપન,અખંડ જ્યોત સાતમ થી નોમ સુધી ચાલુ પ્રગટેલી રહેશે. માંડવી પર 5 ગરબા ગવાશે.અને દર આઠમે આખા પાલનપુરની ગરબીઓ અહીં મુકાશે. સવાર સાંજ પૂજા આરતી કરી માતાજીને લોકોના દુઃખ દૂર કરવા પ્રાર્થના કરાશે.

અમીરગઢના અષ્ટભુજા અંબિકા ખૂણીયા માતાજી
અરવલ્લીની ગિરિમાળાઓમાં બીરાજમાન અષ્ટભુજા માં ખુણીયા અંબિકા મંદિરમાં સમગ્ર અમીરગઢ તાલુકા ઉપરાંત રાજસ્થાનના ગામોની પ્રજા પણ ભારે આસ્થા ધરાવે છે. મંદિરના સંચાલક હરીદાસજી મહારાજે જણાવ્યું કે " નવરાત્રિમાં સાત દિવસ દુર્ગા સપ્તશતી એટલે કે ચંડીપાઠનુ ચાર બ્રાહ્મણો દ્વારા પઠન થશે. પછી આઠમના દિવસે માતાજીનો નવચંડી હવન થશે. નવરાત્રી દરમિયાન સવારે માતાજીનો અભિષેક થાય છે. ઉપરાંત સવાર સાંજ આરતી કરી નૈવેધ ધરાવાય છે. "

માઁ અંબાના બહેન અજયમાતાનું અંબાજી માં મંદિર
અંબાજી ખાતે વિશ્વભરમાં કદાચ એક એવું મંદિર છે જ્યાં માં અંબા સાથે તેમના બહેન અજયમાતાની પૂજા થાય છે. અંબાજી મંદિરના પાછળના ભાગે આવેલ પૌરાણિક અજયમાતાના મંદિરે માતાજીના મંદિરની સાથોસાથ પૂજા અર્ચના થઈ રહી છે. ભગવાન શ્રી રામને રાવણનો વધ કરવા અજયબાણ પણ અજયમાતાએ આપેલું હોવાનું ઉલ્લેખાઇ રહ્યું છે. સંતાન પ્રાપ્તિ, વિજયપ્રાપ્તિ, કોર્ટ કચેરીમાં સફળતા, રાજસત્તા પ્રાપ્તિ , અને સર્વ સુખ પ્રાપ્તિ માટે અજયમાતાની ખાસ ઉપાસના કરવામાં આવતી હોવાનું મંદિર ના પૂજારી કનુભાઈ જોશીએ જણાવ્યું હતું.

જુનાડીસાના સિધ્ધામ્બિકા માતાજી મંદિર
ડીસાના જુના ડીસાના સિધ્ધામ્બિકા માતાજી મંદિરમાં રોજ સવારે માતાજીની મૂર્તિ ઉપર સવારે અભિષેક પૂજા શણગાર કરવામાં આવે છે પછી માતાજીની નાની મૂર્તિની રોજ સવારે યજમાન દ્વારા દુધ અભિષેક પૂજન કરાય છે. નવરાત્રિના નવેનવ દિવસ હવન કરવામાં આવશે. 7.15 એ ઘટસ્થાપના કરાશે. અહીં માતાજીને દરરોજ અલગ-અલગ સવારીથી શાસ્ત્રી નટવરલાલ જોશી દ્વારા શણગાર કરવામાં આવે છે. ત્યાર પછી નવમા દિવસે માતાજીની ગામ લોકો દ્વારા પલ્લી ભરવામાં આવશે.

ગુજરાતમા એકમાત્ર શિહોરીમાં ગાયમાતાજીના મંદિર
શિહોરીમાં આવેલુ ગુજરાતમાં એકમાત્ર ગાયમાતાના મંદિરમાં નવરાત્રી પછી અગિયારસથી માતાજીની માંડવી કાઢવામા આવેછે, પાંચ દિવસ રાત્રે મોટો મેળો ભરાય છે લોકો ગરબે રમે છે. જો મેળાને મંજૂરી મલસગે તો મેળામા ચગડોળો, મોત કુવા વિવિધ નાની મોટી ચકડોળો, મીઠાઈના સ્ટોલ સહિતના કાર્યક્રમો યોજાશે. મંદિર સંચાલક હંસપુરી ગોસ્વામીએ જણાવ્યું કે "મંજૂરી હજુ સુધી માંગી નથી, મંજૂરી માંગવાની છે મંજૂરી આપવામાં આવશે તે મુજબના કાર્યક્રમો રાખવામાં આવશે.

દિયોદરના સણાદર અંબાજી માતાના મંદિર
દિયોદર તાલુકાના સણાદર ગામે આવેલ પૌરાણિક અંબાજી માતાના મંદિરનું દિયોદર ભાભર ઉપરાંત આસપાસની પ્રજા ભારે આસ્થા ધરાવે છે. નવરાત્રી દરમિયાન 6:30 કલાકે આરતી તેમજ સાંજે 6.30 કલાકે આરતી થશે. નવરાત્રી દરમિયાન અનુષ્ઠાન અને પૂજા અર્ચના યોજાશે. સવારે 6:30 થી રાત્રે દસ વાગ્યા સુધી માતાજીનું મંદિર ખુલ્લું રહેશે. ભક્તજનો દર્શનનો લાભ લઇ શકશે. નવરાત્રી દરમિયાન ગરબા આરતી થશે. જોકે મોટું આયોજન નથી તેમ મંદિરના પુજારીએ જણાવ્યું હતું.

વાવના હિંગળાજ મંદિરે આઠમે હવન યોજાશે
વાવમાં આવેલું શ્રીહિંગળાજ માતાજીનું મંદિર નવરાત્રીના પગલે રોશનીથી ઝગમગી ઉઠયુ છે. વાવમાં વેંઝિયા પરિવારની કુળદેવી શ્રી હિંગળાજ માતાજીના મંદિરે દૂર દૂર ભક્તો દર્શને આવે છે. અષ્ટમીના દિવસે વેંઝિયા પરિવાર દ્રારા અહીં હવન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...