કમોસમી વરસાદની અસર:57521 હેક્ટરમાં ઘઉંનું વાવેતર 15 દિવસ મોડું થશે

પાલનપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા છે. જે પાણી ઓસરતાં અને ભેજ અછો થતાં 15 દિવસ જેટલો સમય લાગશે. - Divya Bhaskar
ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા છે. જે પાણી ઓસરતાં અને ભેજ અછો થતાં 15 દિવસ જેટલો સમય લાગશે.
  • કમોસમી વરસાદની અસર ખેતરોમાં ભરાયેલા પાણી ઓસરતાં અને તેનો ભેજ ઓછો થતાં 15 દિવસ લાગશે
  • શનિવારે સવાર 6 વાગ્યા સુધીમાં દાતાંમાં 1ઈંચ, ધાનેરા અને લાખણીમાં અડધો ઈંચ, અન્ય તાલુકામાં નોંધણી લાયક વરસાદ

બનાસકાંઠા જિલ્લામાં શુકવારે 6 વાગ્યાથી શનિવારે સવાર 6 વાગ્યા સુધીમાં દાતાંમાં 1 ઈંચ, ધાનેરા અને લાખણીમાં અડધો ઈંચ, અન્ય તાલુકામાં નોંધણી લાયક વરસાદ પડ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા કમોસમી વરસાદે શનિવારે વિરામ લીધો હતો. જોકે, ખેતરોમાં પાણી ભરાયેલા હોય તેનો ભેજ ઓછો થતાં 15 દિવસનો સમય લાગે તેમ હોય ઘઉંનું વાવેતર 15 દિવસ પાછું ઠેલાશે.જિલ્લામાં રવિ સીઝનમાં કુલ 70,000 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થાય છે, હાલમાં 12479 હેક્ટરમાં વાવેતર થયું છે.

બનાસકાંઠા જિલ્લામાં ત્રણ દિવસથી અવિરત વરસાદ પડ્યો હતો. જોકે શનિવારે દિવસ દરમ્યાન વરસાદે વિરામ લીધો હતો.અને આકાશમાં સૂર્યનારાયણના દર્શન થયા હતા. કમોસમી વરસાદના કારણે ખાસ કરીને ખેતરોમાં પાણી ભરાતા ખેતીના પાકો મગફળી, રાયડો, બટાકા તેમજ શાકભાજીને આંશિક નુકસાન થશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે. જોકે કમોસમી વરસાદની સૌથી મોટી અસર ઘઉંનાં વાવેતર ઉપર પડશે.

આ અંગે ખેડૂત લક્ષ્મણજી ઠાકોરે જણાવ્યું કે, ઘઉંનાં વાવેતર માટે ખેતર ખેડીને તૈયાર રાખ્યું હતું. બિયારણ દવાઓ સહિતની સામગ્રી પણ લાવી દીધી હતી. જે દિવસે ઘઉંનું વાવેતર કરવાનું હતું ત્યારે જ કમોસમી વરસાદ શરૂ થયો હતો. જે સતત ત્રણ દિવસથી વરસતા ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. આ પાણી ઓછો થતાં 15 દિવસ જેટલો સમય લાગશે. પરિણામે હવે ઘઉંનું વાવેતર 15 દિવસ પાછું ઠેલાશે.

આગામી બે દિવસ સવારે ધુમ્મસછાયું વાતાવરણ રહેશે
હવામાન વિભાગની આગાહી મુજબ, વહેલી સવારે હવામાં ભેજનું પ્રમાણ 90% થી વધુ રહેતું હોવાના કારણે આગામી બે દિવસ સવારે ધુમ્મસ છાયું વાતાવરણ રહેશે. આ દરમિયાન દિવસ અને રાતના તાપમાનમાં સામાન્ય વધ-ઘટ જોવા મળશે. ત્યાર બાદ બે દિવસમાં ઠંડીમાં 2 થી 4 ડિગ્રીનો વધારો જોવા મળશે.

જિલ્લામાં વરસાદ

દાંતા

24 મીમી

ધાનેરા

16 મીમી

લાખણી

16 મીમી

વડગામ

08 મીમી

સૂઇગામ

06 મીમી

ભાભર

05 મીમી

દાંતીવાડા

04 મીમી

ડીસા

03 મીમી

દિયોદર

02 મીમી

પાલનપુર

02 મીમી

વાવ

02 મીમી

નોંધ : શુક્રવારે સાંજે 6 વાગ્યાથી શનિવારે સવારે છ વાગ્યા સુધી

હાલમાં 12479 હેક્ટરમાં વાવેતર થયું છે
અધિકારી પી.કે. પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં રવિ સીઝનમાં કુલ સરેરાશ 70,000 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થાય છે. હાલમાં 12479 હેક્ટરમાં વાવેતર થયું છે. એટલે કે હજુ 57521 હેકટર જમીનમાં ઘઉંનું વાવેતર બાકી છે. વરસાદના કારણે 10થી 15 દિવસ મોડું થશે.

જમીનની પોપડી બંધાઈ જતા ઘઉં ઉગવા મુશ્કેલ
ખેડૂત ચંદુભાઈ પરમારે જણાવ્યું કે મારા ખેતરમાં ઘઉંનું વાવેતર કર્યું એ જ દિવસે શરૂ થયેલા વરસાદે 3 દિવસ વરસ્યો હતો. પરિણામે ખેતરની જમીનની પોપડી બંધાઈ જતા ઘઉં ઉગીને બહાર નીકળવા મુશ્કેલ છે. હવે ફરીથી ખેતર ખેડી ઘઉં હું વાવેતર કરવું પડશે.

મગફળી કાળી પડી ગઇ છોડ સડી ગયો
ખેડૂત ધનરાજભાઈ પટેલે જણાવ્યું કે ખેતરમાં મગફળી જમીનમાંથી બહાર કાઢી અને રાખી હતી. તે સમયે જ વરસાદ પડતા મગફળીનો પાક બગડી ગયો છે. મગફળી કાળી પડી ગઈ છે જ્યારે છોડ સડી જતા મોટું નુકસાન થશે.

એક વીઘામાં મકાઇની વાવણીનો ખર્ચ રૂ.10,000 : ઉત્પાદન માત્ર 10 બોરી
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆતમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ ખેતીના પાકોનું વાવેતર કર્યુ હતુ. જોકે, મધ્યમાં વરસાદ ખેંચાતાં વરસાદી ખેતી ઉપર નિર્ભર ખેડૂતોના પાક સુકાઇ ગયા હતા. જોકે, ચોમાસાની વિદાય સમયે ભારે વરસાદ પડતાં આ પાકોને વ્યાપક નુકશાન થયું હતુ.

જેની સીધી અસર મકાઈના વાવેતર ઉપર થઇ હતી. પાલનપુર, વડગામ અને દાંતા પંથકમાં મકાઇનું ઉત્પાદન ઓછું મળ્યું હતું. ખેડૂત બાબુજી ખાંટ (વેલવાડા, દાંતા)એ જણાવ્યું હતું કે, એક વિધા જમીનમાં મકાઇના વાવેતર પાછળ બિયારણ રૂપિયા 3000, ખેડાઇ રૂપિયા 1200, ખાતર- દવા રૂપિયા 3000, મજુરી રૂપિયા 2000, થ્રેસરની કઢાઇ રૂપિયા 1200 મળી કુલ રૂપિયા 10,000 ઉપરનો ખર્ચ થાય છે. બીજી તરફ આ વખતે પાછોતરા વરસાદના કારણે નુકશાન થતાં એક વિધા જમીનમાં મકાઇની 20 બોરીની આવક થવી જોઇએ તે આ વખતે માંડ 10 બોરી થઇ રહી છે.

કમોસમી વરસાદની દૂરોગામી અસર: ખેડૂતો
ખેડૂતોએ જણાવ્યું કે, કમોસમી વરસાદના કારણે ઘઉંનું વાવેતર 15 દિવસ પાછળ થશે. જેની અસર ઉનાળુ વાવેતર ઉપર થશે. ઉનાળામાં બાજરી અને મગફળીનું વાવેતર પણ પંદર દિવસ લેટ થશે. જે પાક લેતી વખતે ચોમાસું આવી જશે. અને વરસાદના કારણે પાકને નુકસાન થશે.

અન્ય સમાચારો પણ છે...