અકસ્માત:અંબાજી દર્શને જતાં બે પદયાત્રીને ચંડીસર નજીક ટ્રક ચાલકે અડફેટે લીધા,એકનું મોત

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધાનેરાના આશિયા - થરાદના મોરથલના યુવકોને વહેલી સવારે અકસ્માત નડ્યો
  • એકને ગંભીર હાલતમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો

અંબાજીમાં માં અંબાના દર્શન કરવા માટે પગપાળા જઇ રહેલા બે માઇભકતોને પાલનપુર- ડીસા હાઇવે ઉપર ચંડીસર નજીક ટ્રક ચાલકે પાછળથી અડફેટે લીધા હતા. જેમાં એક યુવકનું મોત નિપજ્યું હતુ. જ્યારે એકને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. યાત્રાધામ અંબાજીમાં આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાવાનો નથી. તેમ છતાં માઇભક્તો પૂનમ અગાઉ માતાજીના દર્શને પગપાળા જઇ રહ્યા છે. જ્યાં ધાનેરા તાલુકાના આશિયા ગામના વાહજીજી ઝવેરભાઇ ઠાકોર, પાંચાભાઇ અગરાભાઇ ઠાકોર અને થરાદ તાલુકાના મોરથલના હંસાજી ગગાજી ઠાકોર પગપાળા અંબાજી જઇ રહ્યા હતા. જેઓ મંગળવારે વહેલી સવારે પાંચ વાગ્યે પાલનપુર - ડીસા હાઇવે ઉપર ચંડીસર નજીક રોડની સાઇડમાં પસાર થઇ રહ્યા હતા.

ત્યારે પાછળથી આવેલા ટ્રકના ચાલકે બે જણાંને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં વાહજીજીનું મોત નિપજ્યું હતુ. જ્યારે હંસાજી ઠાકોરને ગંભીર ઇજાઓ થતાં 108 દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અગે મૃતકના ભાઇ પાંચાભાઇ ઝવેરભાઇ ઠાકોરે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગૂનો નોંધી તેને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી
ધાનેરા તાલુકાના આશિયા ગામે રહેતા ઠાકોર પરિવારના વાહજીજી ઝવેરજી ઠાકોરના લગ્ન થરાદ તાલુકાના મોરથલ ગામે વિમળાબેન સાથે થયા હતા. જેમના લગ્ન જીવનમાં એક દીકરી અંજલી છે.અંબાજી પગપાળા દર્શન કરવા જતી વખતે માર્ગ અકસ્માતમાં તેમનું મોત નિપજતાં દીકરીએ પિતાની છત્રછાયા અને પત્ની તેમજ પરિવારજનોએ ઘરનો મોભ ગુમાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...