વરસાદી ઝાપટા:બનાસકાંઠામાં વધુ બે દિવસ વરસાદની આગાહી : થરાદમાં 6 મીમી વરસાદ પડ્યો

પાલનપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
થરાદ પંથકમાં શુક્રવારે ઢળતી સાંજે ગાજવીજ સાથે વરસાદ ખાબકયો. - Divya Bhaskar
થરાદ પંથકમાં શુક્રવારે ઢળતી સાંજે ગાજવીજ સાથે વરસાદ ખાબકયો.
  • ભાભર, સુઈગામ, વાવ પંથકમાં તેજ પવન સાથે ભારે વરસાદી ઝાપટા પડ્યા

બનાસકાંઠા જીલ્લામાં હવામાન વિભાગ દ્વારા પુન: બે દિવસની કમોસમી વરસાદની આગાહી કરી છે. દરમિયાન શુક્રવારે સાંજે જીલ્લાના સરહદી પંથકમાં વાતાવરણ પલટાયું હતુ.જ્યાં થરાદ, વાવ અને ભાભર પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. સાંજ સુધીમાં થરાદમાં 6 મીમી વરસાદ નોંધાયો હતો.

બનાસકાંઠા જીલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ગુરૂવારે ઉઘાડ કાઢ્યા પછી હવામાન વિભાગ દ્વારા પુન: તારીખ 7 અને 8 જાન્યુઆરી 2022 બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. જેના પગલે શુક્રવારે બપોર બાદ સરહદી વિસ્તારમાં વાતાવરણ પલટાયું હતુ. જ્યાં વાવ, ભાભર અને થરાદમાં ભારે પવન સાથે કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા.

હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ પંથકમાં શુક્રવારે ઢળતી સાંજે ગાજવીજ સાથે ધમાકેદાર કમોસમી વરસાદ ખાબકયો હતો. થરાદ નગર અને તાલુકાના અનેક ગ્રામ્યવિસ્તારોમાં નાના-મોટા કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા. પરિણામે અનેક ગામોમાં પાણીના વહોળા રેલાયા હતા. ઉપરાઉપર પડી રહેલા કમોસમી વરસાદને લઈને ખેતી પાકોને ભારે નુકસાનની દહેશત ઉઠવા પામી છે.

જ્યારે ભાભર અને વાવમાં પણ તેજ પવન સાથે કમોસમી વરસાદનું ભારે ઝાપટું પડતાં માર્ગો ઉપર પાણી રેલાયા હતા.સુઇગામ તાલુકામાં શુક્રવારે સાંજના સમયે ભારે ગાજવીજ સાથે વરસાદના ઝાપટા પડતા ખેતરોમાં કયારા ભરાયા હતા અને ગ્રામીણ વિસ્તારોમાં ઘર બહાર વોકળા નીકળ્યા હતા. ભાભર તાલુકાના ચાતરા, નેસડી, તેતરવા, ચેમ્બુવા વગેરે ગામોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો.

ખેત ઉપજ બગડે નહીં તે માટે સાવચેતી રાખવા અપીલ
પાલનપુર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિના ઇન્ચાર્જ સેક્રેટરી એલ. જે. મોરએ જણાવ્યું હતુ કે, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના જણાવ્યા અનુસાર તારીખ 8-9- જાન્યુઆરી 2022 દરમિયાન છુટો છવાયો વરસાદ થવાની શકયતા હોવાથી ખેત ઉત્પન્ન બગડે નહીં તે માટે ખેડૂતોને ખેતીની ઉપજ સુરક્ષિત જગ્યાએ રાખવા અને માર્કેટયાર્ડમાં વેચાણ માટે તાડપત્રી ઢાંકી ને લાવવા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...