ટ્રાફિકની સમસ્યા:અમીરગઢના ઈકબાલગઢના મેઈન બજારમાં ટ્રાફિકની સમસ્યા વકરી, વાહન ચાલકોને હાલાકી

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉના સરપંચ દ્વારા મેઈન બજારમાંથી મોટા ભાગે દબાણ દૂર કરવામાં આવ્યા હતા
  • સ્થાનિક પોલીસ સક્રીય થઈ ટ્રાફિકનું નિરાકરણ લાવવા કડકાઈથી પગલા લે તેવી લોકમાંગ

બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢના મેઈન બજારમાં વાહનચાલકો ટ્રાફિક સમસ્યાને લઇને હાલાકીનો સામનો કરી રહ્યા છે. અવારનવાર થતો ટ્રાફિક સ્થાનિક પોલીસની નજરમાં પણ ન આવતો હોવાની બૂમરાણ ઉઠવા પામી છે.

અમીરગઢ તાલુકાના વેપારી મથક ઈકબાલઢ ગામમાં ટ્રાફિકની સમસ્યા વકરી છે. અવાર નવાર થતા ટ્રાફિકને લઈ વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમીરગઢ તાલુકાના વેપારી મથક હોવાના કારણે આજુબાજુના વિસ્તારના લોકો ઇકબાલગઢ ગામમાં સામાન ખરીદી કરવા તેમજ દવાખાનાને લગતા કામકાજ માટે આવતા હોય છે. નોંધનીય છે કે ટ્રાફિક સમસ્યાને કારણે અગાઉના સરપંચ દ્વારા ઈકબાલગઢ મેઈન બજારમાં મોટાભાગનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. પરંતુ કેટલીક દુકાનોની સામે વાહનો તેમજ બાઇકો મૂકી લોકો ખરીદી કરવા જતા ટ્રાફિકની સમસ્યા થતી હોય છે.

અવાર નવાર થતો આ ટ્રાફિક સ્થાનિક પોલીસને પણ નજરમાં ન આવતો હોવાની બૂમરાણ ઉભી થઈ છે. ઈકબાલગઢ મેઈન બજારમાંથી નીકળતી સરકારી બસોને પણ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જો કે સ્થાનિક પોલીસ સક્રીય થઈ ટ્રાફિકનું નિરાકરણ લાવવા માટે કડકાઈથી પગલા લે તો ટ્રાફિક સમસ્યાનો અંત આવે તેમ છે એવી વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...