વિચિત્ર ઘટના:પિતા કહે છે- દાંતીવાડા ફાયરિંગ રેંજમાંથી બાળકીને ગોળી વાગી, જ્યારે પોલીસ કહે છે કે બાળકીને બંદૂકની ગોળી વાગી નથી, તે ગળી ગઈ છે

પાલનપુર, દાંતીવાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓપરેશન કરી પેટમાંથી ગોળી બહાર કઢાઈ. - Divya Bhaskar
ઓપરેશન કરી પેટમાંથી ગોળી બહાર કઢાઈ.
  • સપ્તાહ અગાઉ બાળકીના પેટમાં પેસી ગયેલી બુલેટ ઓપરેશન કરીને બહાર કઢાઈ
  • બાળકીના પિતાએ દાંતીવાડા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી

દાંતીવાડા ખાતે રાવળાવાસ સીમમાં આવેલા એક ખેતરમાં સપ્તાહ અગાઉ રમતી સાત વર્ષની બાળકીના પેટમાંથી બંદૂકની ગોળી (બુલેટ) નીકળતાં ચકચાર મચી ગઈ છે. જોકે આ ઘટનામાં પિતાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતુ કે આ ગોળી દાંતીવાડા ફાયરિંગ રેંજમાંથી આવી હતી. તો બીજી તરફ પોલીસે બાળકીને ગોળી વાગી નથી, તે ગળી ગઈ છે એમ કહ્યું હતું. બાળકીના પિતાએ દાંતીવાડા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવતાં પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

દાંતીવાડા રાવળાવાસ વિસ્તારમાં રહેતા ભૂરબા અને ધૂળસિંગ વાઘેલાની દીકરી સૂર્યાબા (ઉં.વ.7)ના પેટમાં સપ્તાહ અગાઉ બંદૂકની ગોળી ઘૂસી ગઇ હતી. પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરી ગોળી બહાર કાઢવામાં આવી છે. આ ઘટના અંગે ધૂળસિંગે જણાવ્યું હતું કે 4 ડિસેમ્બરના રોજ પુત્રી ખેતરમાં રમતી હતી ત્યારે બપોરે 1.00 કલાકની આસપાસ અચાનક બીએસએફ ફાયરિંગ રેંજ તરફથી આવેલી બંદૂકની ગોળી તેના પેટના ભાગે ઘૂસી ગઇ હતી, આથી તે બૂમ પાડી નીચે પડી ગઇ હતી. આ અંગેની જાણ થતાં અમે તેને તાત્કાલિક દાંતીવાડા હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાંથી પાલનપુરની બાળકોની હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે ઓપરેશન કરવાનું હોઇ અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડી 7 ડિસેમ્બરે તબીબે ઓપરેશન કરી પેટમાંથી બંદૂકની ગોળી બહાર કાઢી હતી. ગોળી કેવી રીતે અને કોના દ્વારા છોડાઈ તેની સામે કાર્યવાહી કરવા માટે દાંતીવાડા પોલીસ મથકે અરજી આપી છે.

બાળકીને ગોળી વાગી નથી, તે ગળી ગઈ છે
દાંતીવાડા ફાયર રેન્જ પર પોલીસ, બીએસએફ તેમજ એસઆરપીના જવાનો દ્વારા ફાયરિંગ કરવામાં આવે છે, જેમાં ખાલી કારતૂસ પરત લઇ લેવામાં આવે છે, જ્યારે ગોળીનો આગળ ભાગ (બુલેટ)આ વિસ્તારના લોકો શોધીને લઇ જતા હોય છે. બાળકીના કેસમાં તે રમતાં રમતાં ગોળી ગળી ગઇ હોય તેવું જણાય છે, કારણ કે ગોળી વાગી હોય તો લોહી વહેવાથી જીવને મોટું જોખમ થઇ જાય. આટલા દિવસ સુધી સહન ન કરી શકે.-આર. કે. પટેલ (ડીવાયએસપી)]

BSFની સાથે પોલીસ પણ ફાયરિંગ કરે છે
એન. એસ. સોઢા ડેપ્યુટી કમાન્ડર, બી. એસ. એફ. 109 બટાલિયન, દાંતીવાડાએ જણાવ્યું હતું કે દાંતીવાડા ફાયરિંગ રેંજ પર બીએસએફ ઉપરાંત પોલીસના જવાનો દ્વારા પણ ફાયરિંગ કરવામાં આવે છે. જોકે આવી રીતે ગોળી દૂર જાય એવું શક્ય નથી. અગાઉ કદી બન્યું પણ નથી છતાં આ અંગે તપાસ કરવામાં આવશે.

તસવીર: દાંતીવાડાના સ્થાનિક રહીશ ભૂરાભાઈ.
તસવીર: દાંતીવાડાના સ્થાનિક રહીશ ભૂરાભાઈ.

ચા પીતા હોય ત્યારે ગોળીઓ આવીને પડે છે
દાંતીવાડાના સ્થાનિક રહીશ ભૂરાભાઈએ કહ્યું- અમારા વિસ્તારમાં ગોળીઓ આવવાની ઘટના ઘણા સમયથી બની રહી છે. ઘાસચારો લેતા હોય કે ચા પીતા હોય ત્યારે ઘણી વખત ગોળીઓ આવે છે. બહુ ડર લાગે છે. ખરેખર ફાયરિંગ કરતા હોય તેમણે ખબર રાખવી જોઇએ.

તસવીર: સ્થાનિક રહીશ ધુળીબેન.
તસવીર: સ્થાનિક રહીશ ધુળીબેન.

મકાનોની દીવાલ સાથે ગોળી અથડાય છે
સ્થાનિક રહીશ ધુળીબેને કહ્યું-​​​ જ્યારે જ્યારે ફાયરિંગ થાય છે ત્યારે સનન.. અવાજ કરતી ગોળીઓ એકોતરે ને એકોતરે આવે છે, જે મકાનોની દીવાલ સાથે અથડાય છે. કેટલીક વખત અમને અમારા પશુઓને પણ વાગવાની દહેશત રહે છે.

ફાયર રેંજથી સ્થળ અઢી કિલોમીટર દૂર છે
દાંતીવાડા ફાયર રેંજથી બાળકીનું ખેતર અંદાજિત અઢી કિલોમીટર દૂર છે. બંદૂકમાંથી ગોળી છૂટ્યા બાદ આટલા અંતરમાં એની ઝડપની તીવ્રતા ઓછી થઇ જતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ગોળી વાગી છે કે તે ગળી ગઈ એ નક્કી નથી
પાલનપુરના ખાનગી તબીબ ડો. હિરેન એન. જુડાલે કહ્યું- બાળકીના પેટનું ઓપરેશન કરી ગોળી બહાર કાઢવામાં આવી છેે. જોકે ગોળી વાગ્યા પછી લાંબા સમય બાદ તેને હોસ્પિટલમાં લઇ આવ્યાં છે. ઘા રુઝાઇ ગયો છે, જેથી બાળકી ગોળી ગળી ગઇ છે કે તેને ગોળી વાગી છે એ નક્કી નથી. તેના એક્સ-રે સહિતના ડોક્યુમેન્ટ મેડિકલ લીગલ હોઇ જાહેરમાં આપી ન શકું.

અન્ય સમાચારો પણ છે...