પાલનપુર- અંબાજી માર્ગ ઉપર જલોત્રા નજીક ચાર વર્ષ અગાઉ જીપડાલાની ટક્કરે પાલનપુર તાલુકાના ફતેપુરના અને વડગામ પોલીસ મથકના કોન્સ્ટેબલનું મોત નિપજ્યું હતુ. જેમાં મૃતકના પરિવારજનોએ વળતર માટે પાલનપુરની પાંચમી એડીશનલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલી જતાં ન્યાયાધીશે જીપગાડીના માલિકે લીધેલા વીમા કંપનીને વ્યાજ તેમજ ખર્ચ સહિત રૂ. 74 લાખનું વળતર ચૂકવવા હૂકમ કર્યો હતો.
ફતેપુરના જગતસિંહ દલપતસિંહ પરમાર (ઉ.વ.42) વડગામ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. જેઓ તારીખ 10 અોગષ્ટ 2018ની સાંજે બીટના ગામડાઓમાં સમન્સ બજાવી બાઇક ઉપર મુમનસવાસથી જલોત્રા તરફ આવી રહ્યા હતા. ત્યારે જીપ નં. જીજે. 06. એટી. 1685ના ચાલકે બાઇકને ટક્કર મારતાં જગતસિંહનું મોત નિપજ્યું હતુ. મૃતકના પરિવાજનોએ વળતર મેળવવા માટે પાલનપુરની પાંચમી એડીશનલ સેશન્સ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
જે કેસ ચાલી જતાં ન્યાયાધીશ જે. ટી. ઠક્કરે અરજદારના વકીલ તેજમાલસિંહ આર. ચાવડા (ધાણધા)ની દલીલો, દસ્તાવેજી પુરાવા ગ્રાહ્ય રાખી જીપગાડીના માલિક કાંકરેજ તાલુકાના શિહોરી બ્રાહ્મણવાસના ભગવાનભાઇ ગોધાભાઇ બ્રાહ્મણે લીધેલ વીમા કંપની વડોદરાની આઇ. સી. આઇ. સી. આઇ. લોમ્બાર્ડને મૃતકના પરિવારજનોને વ્યાજ તેમજ ખર્ચ સહીત આશરે રૂપિયા 74,00,000નું વળતર ચૂકવવા હૂકમ કર્યો હતો.
મૃતકની વયના આધારે વળતર ચૂકવાયું
વકીલ તેજમાલસિંહે જણાવ્યું કે, અકસ્માતોના કેસમાં વળતર ચૂકવવા માટે મૃતકની વય, તેના પરિવારના આશ્રિતોની સંખ્યા સહિત પગારની રકમના ગુણાંક ધ્યાને લેવામાં આવે છે. આ કેસમાં પોલીસ કર્મી જગતસિંહની ઉંમર 42 વર્ષ હતી. તેમના પરિવારમાં પત્નિ, પુત્રી પુત્ર અને માતા છે. જે નિયમને અનુસરી કોર્ટે વ્યાજ સહિત ખર્ચના રૂપિયા આશરે 74,00,000નું વળતર ચૂકવવા વીમા કંપનીને આદેશ કર્યો હતો.
અરજી દાખલ થઇ ત્યાંથી નાણાં ન ચૂકવાય ત્યા સુધી 8 ટકા વ્યાજ ચૂકવવા હુકમ
માર્ગ અકસ્માતમાં મોત થયા બાદ પરિવારે 270/2018થી અરજી દાખલ કરી હતી. જે સમયથી કોર્ટે ચુકાદો આપ્યો અને વળતરની રકમ ન ચૂકવાય ત્યાં સુધીમાં થયેલા ખર્ચ તેમજ 8 ટકાના વ્યાજ સાથે આ રકમ ચૂકવવા હૂકમ કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.