કોરોનાએ ફરી માથું ઉચક્યું:માઉન્ટ આબુથી પરત પાલનપુર આવેલુ દંપતી કોરોનાની ઝપટમાં

પાલનપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય વિભાગે કન્ટેન્ટમેન્ટ સહિતની કાર્યવાહી હાથ ધરી
  • પાલનપુર શહેરમાં એક્ટિવ કેસોની સંખ્યા ફરી 5 પર પહોંચી

માઉન્ટ આબુ ગયેલું પાલનપુરનું એક દંપતી રજાઓ વિતાવીને પરત પાલનપુર આવતા બીમારીમાં સપડાયું હતું જે બાદ સેમ્પલ દરમિયાન તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે દંપતી પરિવારને તકેદારી રાખવા સૂચના આપી છે. જિલ્લામાં ધીરે ધીરે કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે લોકો પણ સાવચેતી રાખે તે જરૂરી છે.

પાલનપુર આરોગ્ય વિભાગે દંપતી પરિવાર પાસે ટ્રાવેલ્સ હિસ્ટ્રી અંગેની વિગતો પૂછતાં જાણવા મળ્યું હતું કે તેઓ થોડા દિવસ પૂર્વે માઉન્ટ આબુ ખાતે ફરવા ગયા હતા જ્યાંથી પરત આવ્યા બાદ તેમણે આરટીપીસીઆર કરાવતા કોરોના સેમ્પલ બંને પતિ પત્નીના પોઝિટિવ આવ્યા હતા. આ અંગેની વિગતો આપતા ડિસ્ટ્રિક્ટ એપેડેમીક ઓફીસર ડો. નરેશ ગર્ગે જણાવ્યું હતું કે "મજાદર મેતાના એક્ટિવ કેસો બાદ પાલનપુરની હાઇવે સોસાયટી સ્થિત પતિ-પત્નીના સેમ્પલ પોઝિટિવ આવ્યા છે.

જિલ્લામાં રવિવારે 2408 આરટીપીસીઆર સેમ્પલ, 560 એન્ટીજનના સેમ્પલ મળી કુલ 2968 સેમ્પલ લેવાયા હતા જેમાંથી એક આરટીપીસીઆર સેમ્પલ પોઝિટિવ આવ્યું હતું જ્યારે અન્ય ખાનગી લેબનું સેમ્પલ પોઝિટિવ આવ્યું હતું. હાલમાં રવિવારે આવેલા બે પોઝિટિવ કેસ સાથે મળી એક્ટિવ કેસની સંખ્યા પાંચ પર પહોંચી છે." તો બીજી તરફ વહીવટી તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે પાલનપુર શહેરમાં કોરોનાના કેસો ન વધે તે માટે તકેદારી રાખવાના ભાગરૂપે માસ્ક ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી લોકોને જાહેર સ્થળોએ ફરજીયાત માસ્ક પહેરવા માટે તાકીદ કરી છે.

સા.કાં.માં વધુ 2 કોરોના પોઝિટિવ હિંમતનગર અને વડાલીમાં 1-1 કેસ
સાબરકાંઠા જિલ્લામાં રવિવારે વધુ બે પોઝિટિવ કેસ નોંધાતાં એક્ટિવ કેસની સંખ્યા 21 થઈ ગઈ છે. પ્રતિદિન નોંધાઈ રહેલ કોરોના પોઝિટિવ કેસ ને પગલે કોરોનાની દહેશત અનુભવાઇ રહી છે પરંતુ દૈનિક ગતિવિધિઓમાં કોરોના ગાઈડલાઈનનો અમલ જોવા મળતો નથી.

સાબરકાંઠામાં 10 દિવસ અગાઉ ઇડર તાલુકામાં કોરોનાનો કેસ નોંધાયા બાદ હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારના રહીશો અમદાવાદ, આણંદ બહુચરાજી ફરી આવ્યા બાદ શહેરના ગાયત્રી મંદિર રોડ, પેલેસ રોડ , મોટી વ્હોરવાડ અલીફ મસ્જિદ મીનારા મસ્જીદ ઝહીરાબાદમાં ચોક્કસ પોકેટમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે રવિવારે સાંજે હિંમતનગર શહેરની મોટી અલીફ મસ્જીદ વિસ્તારમાં 76 વર્ષીય વૃદ્ધ અને વડાલી તાલુકાના થેરાસણા ગામના 50 વર્ષીય શખ્સનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

મહેસાણા જિલ્લામાં 3 કેસ નોંધાયા
મહેસાણા જિલ્લામાં રવિવારે વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.જેમાં મહેસાણા શહેરના ઓએનજીસી નગરમાં બિહારથી આવેલા 31 વર્ષીય યુવાન કોરોના સંક્રમિત છે,જ્યારે મહેસાણાના સોમનાથ રોડ ઉપર 50 વર્ષીય પુરુષનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં આઇસોલેટ કરી સારવાર ચાલુ કરાઇ છે.ઉપરાંત વિસનગરના કાંસામાં એક 64 વર્ષીય મહિલા કોરોના સંક્રમિત છે.જિલ્લામાં એક્ટિવ કેસ વધીને કુલ 20 થયા છે

અન્ય સમાચારો પણ છે...