તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર રિયાલિટી ચેક:કોરોનાની ઓપીડી ઘટી છતાં બેડ ખાલી નથી મળતાં

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગંભીર દર્દીઓ દાખલ હોઈ ઓક્સિજન-બાયપેપની સગવડવાળા બેડ ખાલી નથી.  - Divya Bhaskar
ગંભીર દર્દીઓ દાખલ હોઈ ઓક્સિજન-બાયપેપની સગવડવાળા બેડ ખાલી નથી. 
  • પાલનપુરની હોસ્પિટલોમાં ગંભીર દર્દીઓ દાખલ હોઈ ઓક્સિજન,બાયપેપની સગવડવાળા બેડ ખાલી નથી
  • એક સાથે ચાર દર્દીને બોટલ અને દવા આપી શકાય તેવા સાદા, એક જ દર્દીને દાખલ કરી શકાય તેવા સ્પેશિયલ રૂમો ધીમે ધીમે ખાલી થઈ રહ્યા છે

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 20 દિવસમાં નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસોમાં સૌથી વધુ પાલનપુર શહેર અને આજુબાજુના ગ્રામીણ વિસ્તારના 1800 ઉપરાંત દર્દીઓ સંક્રમિત થયા છે. પરિણામ એ આવ્યું કે, ઓક્સિજન લેવલ ઘટી જવાથી ગંભીર થયેલા દર્દીઓને તાત્કાલિક સારવાર માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગ તેમજ શહેરની અન્ય ખાનગી કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓને ખસેડાતાં સ્થિતિ કટોકટીભરી બની ગઇ હતી. જરૂરીયાત કરતાં માત્રા વધી જતાં ઓક્સિજનની તંગી ઉભી થઇ હતી.

તો બીજી તરફ હોસ્પિટલોમાં બેડ પણ હાઉસફૂલ થઇ ગયા હતા. દર્દીઓને વેઈટીંગમાં રાખવા પડતાં હતા. આ સમયગાળામાં અનેક ગંભીર દર્દીઓના મોત પણ નિપજી ચુક્યા છે. જોકે, આ ભયાવહ સ્થિતિમાં છેલ્લા પાંચેક દિવસથી સુધારો આવ્યો હોવાનું લોકો કહી રહ્યા છે. ત્યારે ગુરૂવારે દિવ્ય ભાસ્કર દ્વારા શહેરની સરકારી કોવિડ હોસ્પિટલ તેમજ ખાનગી કોવિડ હોસ્પિટલની રિયાલિટી ચેક કરતાં જાણવા મળ્યું કે, છેલ્લા એક સપ્તાહથી કોરોનાની ઓપીડીમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, ક્રિટિકલ દર્દીઓ દાખલ હોવાથી ઓક્સિજન અને બાયપેપની સગવડ ધરાવતાં બેડ હજુ ફુલ છે. જો કે, એક સાથે ચાર દર્દીને બોટલ અને દવા આપી શકાય તેવા સાદા, એક જ દર્દીને દાખલ કરી શકાય તેવા સ્પેશિયલ રૂમો ધીમે ધીમે ખાલી થઈ રહ્યા છે.

સીટી હોસ્પિટલના વ્યવસ્થાપક ચેતનભાઇએ જણાવ્યું કે, સપ્તાહ અગાઉ દૈનિક 160 દર્દીઓની ઓપીડી હતી. જેમાં 140 દર્દીઓમાં કોરોનાના લક્ષણો જણાતા હતા. 20 દર્દીઓને અન્ય વાયરલ જન્ય બિમારી આવતી હતી. જોકે, છેલ્લા ત્રણ- ચાર દિવસથી ઓપીડીની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. ગુરૂવારે 80 ઓપીડી રહી હતી. જેમાં 22 જણાંને કોરોનાના લક્ષણો જણાયા હતા. જોકે, ક્રિટિકલ દર્દીઓ દાખલ હોવાથી હોસ્પિટલના તમામ 10 બેડ ફુલ છે.
સમ્યક હોસ્પિટલના ડો. સંજય ચૌધરીએ જણાવ્યું કે, રોજની ઓપીડીમાં 35 થી 36 ટકાનો ઘટાડો થયો છે. મોટાભાગના દર્દીઓના સીટી સ્કેનમાં 10થી નીચેનો સીપીઆર રિપોર્ટ આવી રહ્યો છે. જોકે, ક્રિટિકલ દર્દીઓ દાખલ હોવાના કારણે હોસ્પિટલના 10 ઓક્સિજન બેડ ફુલ છે.
એઇમ્સ હોસ્પિટલના ડો. અમૃત ઝાલાએ જણાવ્યું કે, દૈનિક ઓપીડીમાં 35 થી 36 ટકાનો ઘટાડો થયો છે.જોકે, ગંભીર દર્દીઓ દાખલ હોવાથી હોસ્પિટલના 19 બેડ પૈકી એક જ ખાલી છે.કોરોનાની સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે.
પટેલ હોસ્પિટલના ડો.અજીત પટેલે જણાવ્યું કે, દૈનિક ઓપીડીમાં 50 ટકાનો ઘટાડો થયો છે. ગંભીર દર્દીઓ સારવાર કરાવવા માટે આવી રહ્યા છે. હોસ્પિટલના 25 બેડ પૈકી 5 જેટલા બેડ ખાલી છે. કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે.
રૂદ્ર હોસ્પિટલના તબીબે જણાવ્યું કે, ઓપીડીમાં ઘટાડો થયો છે. નોર્મલ બેડ ખાલી છે. ક્રિટિકલ દર્દીઓ દાખલ હોવાથી આઇ.સી.યુ.ના 27 બેડ ફુલ છે.

શહેરની હોસ્પિટલની બેડની વિગત
ઓક્સિજન બેડ સાદા બેડ
રૂદ્ર હોસ્પિટલ27 ભરેલા20 ખાલી
પટેલ હોસ્પિટલ25 ભરેલા05 ખાલી
અેઇમ્સ હોસ્પિટલ18(6 ખાલી)01 ખાલી
સીટી હોસ્પિટલ10 ભરેલા0
સમ્યક10 ભરેલા0
સિવિલ હોસ્પિટલ205 ભરેલા37 ખાલી
(નોધ : સિવિલમાં ટેકનીકલ કારણોથી 37 બેડ ખાલી)

સિવિલમાં ટેકનીકલ કારણોથી 37 બેડ ખાલી
પાલનપુર સિવિલ હોસ્પિટલ : સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. સુનીલ જોષીએ જણાવ્યુ કે, કુલ 205 બેડ છે. જોકે, ઓક્સિજનની બોટલ ઉપર લગાવવા માટે યુમીડી ફાયર મળતું ન હોવાથી ટેકનીકલ કારણોથી 37 જેટલા બેડ ખાલી છે. હોસ્પિટલના પરિસરમાં 10 ટનની ઓક્સિજનની ટેંક નાખ્યા બાદ દર્દીઓનો રિકવરી રેટ વધ્યો છે. જે વર્તમાન સમયે 90 ટકા જેટલો છે.

લોકો જાગૃત થતાં કોરોનાનું સંક્રમણ હળવું થયું
કોરોના સામેની લડાઇમાં લોકો જાગૃત થયા છે. ખાસ બાબત એ છેેકે, રસીકરણના કારણે સંક્રમણ ઘટી રહ્યું છે. જેની સીધી અસર કેસ ઘટવાથી શહેરોની હોસ્પિટલોમાં દર્દીઓની ઓપીડી ઓછી થઇ રહી છે.
- ડો.એન. કે. ગર્ગ, જિલ્લા એપેડેમીક ઓફિસર, બનાસકાંઠા
ઓપીડી ઘટવાના આ મુખ્ય કારણો છે
પાલનપુરના ખાનગી તબીબોએ જણાવ્યું કે, ઓપીડી ઘટવા પાછળના મુખ્ય કારણોમાં 1. કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે. 2. ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સ્કુલોમાં કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. 3. લોકો રસી લઇ રહ્યા હોઇ સંક્રમણ ઓછું થઇ રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...