તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારે ન કર્યું તે કામ બાળકોએ કર્યું:બનાસકાંઠામાં ગાયો માટે સરકારે સહાય ન કરતાં નાના ભુલકાઓએ પોતાની બચતમાંથી પાંજરાપોળને સહાય કરી

પાલનપુર21 દિવસ પહેલા
  • બાળકોએ ગલ્લો તોડીને બચાવેલા તમામ પૈસા પાંજરાપોળના સંચાલકોને આપી ગૌમાતાની સહાય કરી
  • ટીવી પર ગાયોની વેદના જોઇ 15થી 20 બાળકો મદદ કરવા પહોંચીં ગયા

કોરોના મહામારીના સમયમાં દાનની આવક ઘટી જતા બનાસકાંઠામાં પાંજરાપોળ અને ગૌશાળાઓની હાલત કફોડી બની છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકારે સહાય અંગે કોઈજ વિચાર ન કરતા બનાસકાંઠા જિલ્લામાં કેટલાક બાળકો મદદ માટે આગળ આવ્યા છે અને ગૌમાતાની દયનીય સ્થિતિ જોઈ તેમને પોતાની પોકેટ મનીમાંથી બચાવેલા પૈસા ગૌશાળાઓને દાન કરી સરકારને ગાયોની સહાય કરવા માટેની શીખ આપી રહ્યા છે.

ધંધા-રોજગાર ઠપ્પ થતા જ દાનની આવક પણ નહિવત
બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 150થી પણ વધુ ગૌશાળા અને પાંજરાપોળ આવેલા છે જે તમામ મુખ્યત્વે દાનની આવક પર નિર્ભર છે અને દાનની આવક થકી જ આ ગૌશાળામાં રહેલા અંદાજિત એક લાખથી પણ વધુ પશુઓનો ગુજારો ચાલતો હતો. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીના કારણે મોટાભાગના ધંધા-રોજગાર ઠપ્પ થઇ ગયા છે અને ધંધા-રોજગાર ઠપ્પ થતા જ દાનની આવક પણ નહિવત જેટલી થઇ ગઇ છે જેના કારણે હવે પાંજરાપોળ અને ગૌ શાળાના સંચાલકોને પશુઓને નિભાવવા મુશ્કેલી સમાન બની ગઈ છે અને તેથી ગૌશાળાઓમાં અત્યારે પશુઓની હાલત પણ દયનીય બની છે.

ગત વર્ષે તો ગૌશાળાના સંચાલકોએ આંદોલન કરતાં સરકારે સહાય કરી હતી, પરંતુ આ વર્ષે હજુ સુધી કોઈ સહાય આપી નથી અને દાનની આવક પણ અત્યારે બંધ જેવી છે જે માટે પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકોએ આ વર્ષે પણ સહાય માટે વારંવાર રજૂઆત કરી હતી.

પોકેટ મનીમાંથી બચાવીને ભેગા કરેલા પૈસા દાન કરવા બાળકો પહોંચ્યા
કલેક્ટરથી લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં પણ હજી સુધી આ મામલે કોઇ જ વિચાર કર્યો નથી ત્યારે વારંવાર સોશિયલ મીડિયામાં ગૌમાતાની કફોડી સ્થિતી અંગેના સમાચાર જોતા ડીસામાં કેટલાક બાળકોના હદય દ્રવી ઉઠ્યા હતા અને તેઓએ પોતાની પોકેટ મનીમાંથી બચાવીને ભેગા કરેલા પૈસા આજે ગૌશાળામાં દાન કરવા માટે આવી પહોંચ્યા હતા. 15થી 20 જેટલા બાળકોએ પોતે એક રૂપિયો ભેગો કરીને ભરેલો ગલ્લો લઈને કાંટ પાંજરાપોળમાં પહોંચ્યા હતા અને ગલ્લો તોડીને બચાવેલા તમામ પૈસા પાંજરાપોળના સંચાલકોને આપી ગૌમાતાની સહાય કરી હતી.

જેમ ટીંપે ટીંપે સરોવર ભરાય છે તેમ તેમનાથી બનતી નાની નાની બચત કરી તેઓએ ગાય માતાની સેવા કરવા પ્રયાસ કર્યો છે. સરકારે પણબાળકો પાસેથી શીખ લઈ માતા તરીકે પૂજાતી ગાયોને બચાવવા માટે સહાય આપે તેવી અપીલ કરી હતી

સહાય આપનાર બાળક પંચાલ યસ્વીએ જણાવ્યું હતું કે, અમે ગાયો માટે દાન આપવામાં અહીંયા આવ્યા છીએ અમારા 15થી 20 આવ્યા છે સરકારને વિનંતી છે કે ગાયોને દાન આપે, ગાયો ભૂખે મરે છે. કોરોના કાળમાં તો આવક પણ બંધ છે લોકો શું દાન આપે સરકારને વિનંતી છે કે ગાયોને થોડી મદદ કરે.

સંવેદનશીલ સરકારને આ પીડા સંભળાતી નથી: ધર્મેન્દ્રભાઈ
સહાય બાળકોની સાથે આવેલા ધર્મેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, હાલના કોરોના કપરા સમયમાં લોકો આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે હજારો પશુંઓને નિભાવતી પાંજરાપોળ અને ગૌશાળાઓ ખુબજ આર્થિક મંદી અને સંક્રમણનો અનુભવ કરી રહી છે.

ઘાસચારાના પૈસા ચુકવવામાં ખુબજ તકલીફો પડી રહી છે. સંચાલકોની પીડા વારંવાર સરકાર સમક્ષ રજુ કરેલી છે. સંવેદનશીલ સરકારને આ પીડા સંભળાતી નથી. સંચાલકો તરફથી સરકારમાં થતી રજુઆત બાબતના સમાચાર ટીવીમાં જોયા ત્યારે નાના નાના બાળકો પોતાની સંપૂર્ણ બચત લઈને પોતાના ગાલાઓ લઈને પાંજરાપોળમાં મદદ કરવા આવ્યા છે.

ઊંચી ભાવનાથી નાના નાના બાળકોએ સેવા કરી
ધર્મેન્દ્રભાઈએ વધુમાં જણાવ્યું કે, ભગવાન રામને ખિસકોલી નાની નાની રેતની કણો લઈને સેતુ બનાવવામાં મદદ કરતી હતી. એવી જપણ મદદ કરવા આવ્યા છે. આ બાળકોની ઉચ્ચ ભવનાને હું બિરદાઉ છું સાથે સાથે સંવેદનશીલ સરકારને હું વિનંતી કરું છું કે આ બાળકો જેવી સંવેદનશીલતા બતાવે અને પશું બચાવવા સંચાલકોને મદદ કરે.

અન્ય સમાચારો પણ છે...