સામાન્ય રીતે પરિવારમાં એક દીકરાના જન્મ બાદ બીજુ કોઇપણ સંતાન દીકરો કે દીકરી આવે તેની કોઇ ચિંતા રહેતી નથી. પણ એક જ બાળક હોય ત્યારે બીજા સંતાનની મહેચ્છાને અલગ રીતે વ્યકત કરવી એ પણ અનોખી બાબત ગણી શકાય. ત્યારે પાલનપુરના સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં કલા શિક્ષક તરીકે ફરજ બજાવતાં શિક્ષકે પોતાના પુત્રના જન્મ દિવસે દીકરીને દત્તક લઈ એક નવો ચિલો ચિતર્યો છે
પાલનપુર સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં કલાશિક્ષક તરીકે ફરજ બજાવતા નયન ચત્રારિયાના દીકરા કુમાર ચત્રારિયાના 10 માં જન્મદિવસ પ્રસંગે એચ.આઇ.વી. પોઝિટિવ અને માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર અનાથ સાત વર્ષની દીકરી પાયલ (નામ બદલેલ છે) ને દત્તક લઇ કપડાં,રાશન કિટ,અભ્યાસ માટે ચોપડા તથા સ્ટેશનરી અને મિઠાઇ આપી દીકરાના જન્મ દિવસને અનોખી રીતે ઉજવણી કરી હતી. દીકરી વ્હાલનો દરિયોએ ઉકિતને સાચી ઠેરવતી આ બાબતને કલાશિક્ષક નયન ચત્રારિયાએ સાર્થક કરી બતાવી છે.
નયન ચત્રારિયાએ અગાઉ પોતાના જન્મદિવસ પ્રસંગે ચક્ષુદાનનો સંકલ્પ કરી અન્ય 150 ઉપરાંત વ્યકિતઓને પણ ચક્ષુદાન કરવા માટે પ્રોત્સાહિત કરી પ્રેરણા પુરી પાડી છે. આ પ્રસંગે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રમુખ રમેશભાઇ પટેલ,તબીબ ડો.સુરેન્દ્ર ગુપ્તા તથા બનાસકાંઠાના એચ.આઇ.વી. પોઝિટિવ વ્યકિતઓ માટે કાર્ય કરતી બનાસ એન.પી.પ્લસ સંસ્થાના પ્રમુખ નરેશભાઇ સોનીએ દીકરાના જન્મદિવસે દીકરી દત્તક લેવા બદલ બિરદાવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.