તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પદયાત્રા:ગઢ ગામના 32 વર્ષીય યુવાને 119 દિવસમાં સમેત શિખરની સળંગ 108 પદયાત્રા કરી

ગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25મી જાન્યુઆરી-2021એ યુવાને પદયાત્રા શરૂ કરી હતી

પાલનપુર તાલુકાના ગઢના અને હાલ મુંબઈમાં ડાયમંડ માર્કેટમાં હીરાનો વ્યવસાય કરતાં પિયુષભાઈ બાબુલાલ શાહનો 32 વર્ષીય નવયુવાન પુત્ર દીપ શાહે જૈન સમાજની આસ્થાનું પ્રતીક એવા સમેત શિખરની 119 દિવસમાં રોજના 26 કિલોમીટર ચાલીને 108 પદયાત્રા કર્યા બાદ છેલ્લે પારસનાથ પર્વતની 52 કિલોમીટરની પરિક્રમા એક જ દિવસમાં પૂર્ણ કરીને ઇતિહાસ સર્જતાં જૈન સમાજમાં આધ્યાત્મિક ક્ષેત્રે નામના મેળવી અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

શ્રી સમેત શિખરજી અથવા પારસનાથ હિલ્સએ ભારતના ઝારખંડ રાજ્યમાં ગીરડી નજીક આવેલું મહત્વપૂર્ણ જૈન યાત્રા સ્થળ છે. જૈન માન્યતા પ્રમાણે ચોવીસ માના વિસ તીર્થંકરો અહીં નિર્વાણ પામ્યાં છે. દીપ શાહે 25મી જાન્યુઆરી-2021એ સમેત શિખર કે જે 13 કી.મી.નો જંગલ અને પર્વતીય વિસ્તારમાં ઉંચાઈ ઉપર આવેલ પારસનાથ પર્વતની ચઢાઈ કરવાની ચાલુ કરી હતી. દરરોજ સવારે ઉનાળામાં સવારે બે વાગે અને શિયાળામાં સવારે ચાર વાગે યાત્રાની શરૂઆત કરીને છ થી સાત કલાકમાં શિખર ઉપર જઇ આ યાત્રા પૂર્ણ કરીને ચાલતા નીચે ઉતરતા હતા.

એક જ દિવસમાં 26 કિલોમીટર તેઓ ચાલતા હતા. 119 દિવસમાં 108 યાત્રાને પૂર્ણ કરીને એક જ દિવસમાં પારસનાથ પર્વતની 52 કી.મી.ની પરિક્રમા પણ પૂર્ણ કરીને ઇતિહાસ રચી દીધો છે. જૈન સમાજના લોકોના જણાવ્યા પ્રમાણે છેલ્લાં સો વર્ષમાં સળંગ આવી કોઈ 108 યાત્રા પૂર્ણ કરી હોય તેવો કોઈ દાખલો નથી તેવો દાવો કર્યો હતો. દીપ શાહ જૈન શ્વેતામ્બર સમાજના છે. તે એકના એક પુત્ર છે. દીપ શાહે જણાવ્યું હતું કે આધ્યાત્મ અને મેડિટેશન અને રોજ સૂર્યનમસ્કાર કરીને ઉર્જા મેળવી પારસનાથ પર્વતની વંદના કરવાથી મને ઘણી આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થઈ છે. હવે હું આ યાત્રા પૂર્ણ કરીને મન અને શરીરથી વધારે મજબૂત બન્યો છું.’

ચડાઇમાં 70 ટકા હાઈટ ઉપર ચાલવાનું નકસલી વિસ્તાર તેમજ બિહામણું જંગલ
તળેટીમાં આવેલ મધુબન ગામમાં એક ધર્મશાળામાં રોકાઈને દરરોજ નિયમિત દીપ શાહ આ યાત્રા કરતો હતો. 13 કિલોમીટરની ચડાઇમાં 70 ટકા હાઈટ ઉપર ચાલવાનું નકસલી વિસ્તાર તેમજ બિહામણા જંગલોની વચ્ચે અને ત્યારબાદ કોરોના મહામારી આવી જગ્યા જ્યાં માણસ ફરકતું ના હોય કોઈ વ્યક્તિ દુરદુર સુધી જોવા ન મળે અને આવી યાત્રાનું સાહસ કરવાનું કોઈ ન વિચારે એવા સમયે ગઢનાં દીપ શાહે આવી કઠિન અને ન કહી શકાય તેવી યાત્રા 23મી મેના દિવસે પૂર્ણ કરીને એક અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરીને ગામ અને સમાજ અને દેશનું નામ રોશન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...