તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી સેવા:વર્ષો પહેલા કોઈ તરવૈયો ન મળતા બનાસકાંઠાના સુલતાન મીરે હિંમતભેર તળાવમાં કુદી છોકરાઓને બચાવ્યા'તા, આજસુધીમાં અનેકનો બચાવી શક્યા છે જીવ

પાલનપુર24 દિવસ પહેલાલેખક: મુકેશ વી. ઠાકોર
નર્મદા કેનાલ પર સુલતાન મીર
  • આ સેવા બદલ મુખ્યમંત્રી રૂપાણી કરી ચુક્યા છે સુલતાન મીરનું સન્માન

બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં આત્મહત્યાનો બનાવ હોય કે અકસ્માતનો બનાવ હોય બચાવ કામગીરી માટે તંત્રના મોઢે જે નામ હોય છે તે સુલતાન મીરનું નામ હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે સુલતાન મીર બનાસકાંઠામાં 2008થી કેનાલ બની ત્યારથી લઈ આજ સુધીમાં 3000 જેટલા મૃતદેહ કેનાલની બહાર કાઢી ચૂક્યા છે. સૌથી મોટી વાત એ છે કે, તેઓ 200થી વધુ લોકોને કેનાલમાંથી જીવિત બહાર કાઢી નવજીવન આપવામા સફળ રહ્યા છે.

બચાવ કામગીરી માટે સાધનો
બચાવ કામગીરી માટે સાધનો

કેનાલમાં બચાવ કામગીરીનો પર્યાય બન્યા સુલતાન મીર
બનાસકાંઠામાં સરકાર દ્વારા વર્ષ 2008માં કેનાલ બનાવવામા આવી છે. ત્યારબાદ અહીં આત્મહત્યાના બનાવો પણ વધ્યા છે. કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થતા મૃતદેહની શોધખોળ કરવી મુશ્કેલ બનતી હોય છે. ત્યારે તંત્ર દ્વારા પણ સુલતાન મીરની મદદ લેવામા આવતી હોય છે. તંત્રનો કે સામાન્ય વ્યકિત તરફથી જાણ થતા જ સુલતાન મીર ઘટનાસ્થળે પહોંચી જાય છે અને કેનાલમાં ડૂબકી લગાવી શોધખોળ શરૂ કરી દે છે. આજદિન સુધીમાં તેઓ કેનાલમાંથી 3000થી વધુ મૃતદેહ બહાર કાઢી ચૂક્યા છે. જ્યારે 200થી વધુ લોકોને જીવતા બહાર કાઢી નવજીવન પણ આપી ચૂક્યા છે.

મુખ્યમંત્રીના હસ્તે સુલતાન મીરનું સન્માન કરાયું હતું
મુખ્યમંત્રીના હસ્તે સુલતાન મીરનું સન્માન કરાયું હતું

થરાદ પાલિકામાં હંગામી કર્મચારી તરીકે કરે છે નોકરી
સુલતાન મીર થરાદ નગરપાલિકામાં હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમને નગરપાલિકા દ્વારા હાલ માસિક 12000 રૂપિયા મહેનતાણુ આપવામા આવે છે. ત્યારે સુલતાન મીર અને અન્ય લોકોની માગ છે કે, તેની સેવાને બિરદાવી નગરપાલિકા દ્વારા તેને યોગ્ય પગાર મળે તેવી નોકરી આપવી જોઈએ. સુલતાન મીરની આ સેવા બદલ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સન્માન કરી ચૂક્યા છે.

સુલતાન મીરનું નિવાસ સ્થાન
સુલતાન મીરનું નિવાસ સ્થાન

નાની ઉમરમાં જ છોકરાઓને ડૂબતા બચાવ્યા હતા
સુલતાન મીરે કહ્યું હતું કે, વર્ષો પહેલા અમારા ગામના તળાવમાં તેના પરિવારના છોકરાઓ ડૂબી રહ્યા હતા ત્યારે અનેક લોકો તરવૈયાઓનો શોધવા માટે દોડધામ કરી હતી પણ તરવૈયા મળ્યા ના હતા. જે તે સમયે મેં હિંમત કરી તળાવમાં પડી છોકરાઓનો બચાવ્યા હતા. ત્યારબાદ તેઓ આજદિન સુધીમાં 200થી વધુ લોકોને કેનાલમાં ડૂબતા બચાવી ચૂક્યા છે.

જિલ્લાના અન્ય તાલુકામાં પણ મદદ માટે પહોંચે છે
થરાદ નગરપાલિકામાં હંગામી તરીકે કામ કરતા સુલતાન મીરનું માનીએ તો, તેને દિયોદર, વાવ, સુઈગામમાં જ્યારે કોઈ કેનાલમાં ડૂબે તો કલેકટર ઓફિસ અથવા પોલીસ વિભાગ તરફથી તેના પર ફોન આવે છે અને તે બચાવકામગીરી માટે જે તે સ્થળ પર પહોંચી જાય છે.

બચાવ કામગીરી માટે કેનાલમાં કૂદી રહેલા સુલતાન મીર
બચાવ કામગીરી માટે કેનાલમાં કૂદી રહેલા સુલતાન મીર

12000માં મારા ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ- સુલતાન મીર
સુલતાન મીર હાલ થરાદ નગરપાલિાકમાં હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવે છે, તેને પાલિકા દ્વારા 12000 રૂપિયા પગાર તરીકે ચૂકવવામા આવે છે. ત્યારે સુલતાન મીર કહી રહ્યા છે કે આ મોંઘવારીના સમયમાં તેના માટે ઘર ચલાવવું મુશ્કેલ છે. તેઓ સરકાર પાસે આર્થિક સ્થિતિમાં સુધારો આવે તેવી મદદની માગ કરી રહ્યા છે.

સુલતાન મીર દ્વારા કરવામા આવતી કામગીરીમાં જીવનું જોખમ છે અને અનેકવાર તકલીફોનો સામનો પણ કરવો પડતો હોય છે. તેમ છતા તે પોતાની કામગીરી યથાવત રાખી છે. જુલાઈ મહિનામાં જ તે 18 જેટલી લાશ કેનાલમાંથી બહાર કાઢી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...