સમસ્યા:નવેસરથી વાંધા સાંભળી વિકાસ નકશો ત્વરિત મંજૂર કરવા સરકારમાં રજૂઆત

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુરના બાંધકામોને ગેરકાયદે બનાવી દેનાર પાલિકા સામે બિલ્ડરલોબી નારાજ
  • બિલ્ડર લોબીએ પાલિકાને મચક ન આપી નોટિસોને અવગણી બાંધકામ જારી રાખ્યું

પાલનપુર શહેરમાં હવે બિલ્ડર લોબી અને નગરપાલિકા આમને સામનેની સ્થિતિમાં છે. સરકારમાંથી ઓનલાઇન પરમિશન મેળવીને પણ હેરાનગતિનો સામનો કરી રહેલા બિલ્ડર પાલિકા સામે લડી લેવાના મુડમાં જણાઈ રહ્યા છે. જોકે નવેસરથી વાંધા સાંભળી વિકાસ નકશો ત્વરિત મંજુર કરવા સરકારમાં રજુઆત કરશે. બીજી બાજુ પાલિકા સદસ્યએ થોડા દિવસ પહેલા વિકાસ નકશાના નામે ઉઘરાવેલા નાણાં પરત ચૂકવવા નોટિસ પાઠવી હતી જેને લઈ હવે કેટલાક સભ્યોએ લાંચ રૂશ્વત વિભાગમાં ફરિયાદ કરવા તખ્તો ઘડ્યો છે. જ્યારે બિલ્ડર લોબીએ પાલિકાને મચક ન આપી નોટિસોને અવગણી બાંધકામ જારી રાખ્યું છે.

પાલનપુરમાં વિસ્તાર વિકાસ સત્તા મંડળ ચાલુ વિકાસ યોજના 2004માં બનાવી હતી.જેની મુદત 2014માં પૂર્ણ થતાં આ નવી વિકાસ યોજના માટે નવીન હદ સાથેનો વિકાસ નકશો નગરપાલિકા દ્વારા બનાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જે પ્રક્રિયા 2019માં પૂર્ણ થતા નગરપાલિકા દ્વારા વિકાસ નક્શો સરકારના ગેજેટમાં પ્રસિદ્ધ કરી નગરપાલિકા કચેરી વાંધા-સૂચનો મંગાવવામાં માટે બે મહિના માટે જાહેરમાં મુક્યો હતો. પરંતુ જે-તે સમયે પાલિકા દ્વારા નવીન જે વિસ્તાર નગરપાલિકામાં સમાવિષ્ટ કરાયેલ હતો તે અંગેનો વધારાના વિસ્તાર સાથેનો પાલિકા દ્વારા જાહેર કરાયો ન હતો. જે કારણોસર હાલમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વિકાસ નકશો રદ કરાતા તમામ બાંધકામો પર રોક લાગતા સંઘર્ષ મય સ્થિતિનું નિર્માણ થયું છે.

પાલનપુર બિલ્ડર એસો.પ્રમુખ મનુભાઈ હાજીપૂરાએ જણાવ્યું હતું કે "વિકાસ નકશાને ઘણો લાંબો સમય થઈ ગયો છે જો હવે વિકાસ યોજના ફરી તૈયાર કરવાની થાય તો તેમાં કાયદાની આંટીઘૂંટીમાં ફરીથી લાંબો સમય વ્યતીત થઈ જાય તેમ છે. આ કારણે પાલનપુરની બિલ્ડર કમ્યુનિટીને ભારે નુકસાન ઊઠાવવું પડે તેમ છે. શહેરનો વિકાસ રોકાઈ જાય તેમ છે. પાલિકા દ્વારા 3 જાન્યુ.ના પત્રથી નવીન હદ સાથેની દરખાસ્ત કરાઇ છે તથા 20 જાન્યુ. તથા ત્યારબાદ ના વખતો વખતના પત્રથી મુદત વધારો આપવા અંગે માંગણી કરી છે.તો જો એ દરખાસ્ત ધ્યાને લઇ નગરપાલિકાને જાહેર કરી આપે તથા વાદા સાંભળવાની અવધિ માં મુદત વધારો કરી આપે તો વિકાસ યોજનાની કામગીરી સત્વરે પૂર્ણ થઇ શકે તેમ છે."

ભ્રષ્ટ સાશકો સામે લાંચ રૂશ્વત વિભાગમાં જઈશું
વિકાસ નકશામાં ભારે ગોલમાલ કરી ખાયકીનો ખેલ આચરનાર શાસકો સામે કેટલાક નારાજ બિલ્ડર લોબી અને જાગૃત નાગરિકો આધાર પુરાવા એકઠા કર્યા બાદ ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન હેઠળ લાંચ રૂશ્વત વિભાગ ગાંધીનગર ખાતે રજુઆત કરશે તેમ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...