અહીં ભાઈબીજે દોડે છે અશ્વો!:ડીસાના મુડેઠામાં સાતસો વર્ષ જૂની પરંપરા અકબંધ, ભાઈબીજના દિવસે યોજાય છે અશ્વદોડ, સાત સદી જૂનું બખ્તર આજે પણ પહેરાય છે

પાલનપુરએક મહિનો પહેલા
  • મોટી સંખ્યામાં જનમેદની ઊમટતી હોવા છતાં કોઈ દિવસ અપ્રિય ઘટના નથી બની
  • દરબાર અને રાજપૂત સમાજના લોકો બહેન પ્રત્યેના પ્રેમને શૌર્યની ભાષામાં રજૂ કરે

ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ એવા ભાઈબીજના દિવસે બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામમાં લગભગ સાડાસાતસો વર્ષથી અશ્વદોડ યોજાય છે. આ અશ્વદોડને નિહાળવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઊમટી પડે છે. આ પ્રસંગે દરબાર અને રાજપૂત સમાજના લોકો તેમની બહેન પ્રત્યેના પ્રેમને શૌર્યની ભાષામાં રજૂ કરે છે.

સાડાસાતસો વર્ષમાં ક્યારેય અપ્રિય ઘટના નથી બની
રફતાર અને શૌર્યતાના આ સમન્વયને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડતા હોઈ, કાયદો અને વ્યવસ્થા જાળવવી ખૂબ જ અઘરી બની જતી હોય છે, પરંતુ આ અશ્વદોડની ખાસિયત એ છે કે આટલી મોટી સંખ્યામાં જનમેદની ઊમટી પડતી હોવા છતાં અહી કોઈપણ જાતના પોલીસ-બંદોબસ્તની જરૂર પડતી નથી. મુડેઠા ગામના રાઠોડ પરિવારના લોકો આખા પ્રસંગની સુરક્ષાની જવાબદારી પોતાના માથે લઇ લે છે. એટલું જ નહિ, પરંતુ સાડાસાતસો વર્ષના ઇતિહાસમાં આજ સુધી અહીં આટલી મોટી સંખ્યામાં જનમેદની ઊમટી પડતી હોવા છતાં કોઈ દિવસ અપ્રિય ઘટના બની નથી.

પરંપરા આજે પણ યથાવત્
દાયકાઓથી ચાલતી આ પરંપરાને નિભાવનારા અને નિહાળનારા બદલાતા ગયા, પરંતુ એ આજે પણ યથાવત્ છે. કેટલીય પેઢીઓથી ચાલી આવતી આ પરંપરામાં રાઠોડ કુળના લોકો તલવારબાજી કરી પટ્ટા રમતા હોય છે, પરંતુ મુડેઠા ગામના આ પરિવારો માટે તો આજેય સમય સાડાસાતસો વર્ષ અગાઉ જ થંભી ગયો હોય એમ આવનારી પેઢીઓ પણ એને જાળવી રાખવા માટે એટલી જ તત્પર જણાઈ રહી છે.

પરંપરા સાચવી રાખવાનો ઉત્સાહ
આજના યુવા વર્ગમાં પણ આ પરંપરા સાચવી રાખવાનો ઉત્સાહ એટલો જ જોવા મળી રહ્યો છે, જે અગાઉની પેઢીઓમાં જોવા મળતો હતો. દર વર્ષે દિવસે યોજાતી આ અશ્વદોડનો ઈતિહાસ સાડાસાતસો વર્ષ જૂનો છે અને દર વર્ષે ભાઈબીજના દિવસે બહેનને પાડોશના ગામ પેપળું ચૂંદડી આપવા માટે રાઠોડ પરિવારના જ સભ્યો જાય છે.

દૂર દૂરના લોકો મુડેઠા ગામે ઊમટી પડે છે
ડીસા તાલુકાના મુડેઠા ગામમાં દર વર્ષે ભાઈબીજના દિવસે યોજાતી અશ્વદોડને નિહાળવા માટે માત્ર આસપાસના ગામના લોકો જ નહીં, પરંતુ અમદાવાદ સુધીના લોકો પણ મુડેઠા ગામે ઊમટી પડે છે અને નાનકડા મુડેઠા ગામમાં માનવ કીડિયારું ઊભરાયું હોય એવો માહોલ જોવા મળે છે. મુડેઠા ગામના લોકોનું કહેવું છે કે હાલ રાઠોડ પરિવારના સભ્યો જે બખ્તર ધારણ કરે છે એ પણ સાડાસાતસો વર્ષ જુનું છે અને આજે પણ રાઠોડ કુળમાં આ બખ્તર ધારણ કરનારને ખૂબ જ માનથી નવાજવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...