માંગણી:પાલનપુરની 100 સોસાયટીઓમાં અશાંતધારો લાગુ કરવા ઠરાવ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલનપુર નગરપાલિકાની કારોબારીની બેઠકમાં પશ્ચિમ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા ઠરાવ કરાયો હતો. - Divya Bhaskar
પાલનપુર નગરપાલિકાની કારોબારીની બેઠકમાં પશ્ચિમ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા ઠરાવ કરાયો હતો.
  • નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠકમાં ઠરાવ કરી જિલ્લા કલેકટરને મોકલી અપાયો, અશાંત ધારો લાગુ કરવા માટે હવે સરકાર નિર્ણય લેશેે
  • સરકાર મંજૂરીની​​​​​​​ મ્હોર મારશે તો કોઝીથી એરોમા- આરટીઓ - હનુમાન ટેકરી સર્કલ વચ્ચેના વિસ્તારોમાં વસવાટ કરતાં રહીશો હવે પોતાની મરજી મુજબ મિલ્કતની લે- વેચ નહી કરી શકે

પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં કોઝીથી એરોમા સર્કલ, હનુમાન ટેકરી અને આરટીઓ સર્કલ વચ્ચેના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માટે બુધવારે નગરપાલિકાની કારોબારી સમિતિએ ઠરાવ પસાર કર્યો હતો. જો સરકાર મંજૂરીની મ્હોર મારશે તો આ વિસ્તારની 100 જેટલી સોસાયટીઓમાં રહેતા લોકો પોતાની મરજી મુજબ મિલ્કતોની લે- વેચ કરી શકશે નહી. જેના માટે તેમણે જિલ્લા કલેકટરની મંજૂરી લેવાની રહેશે. પાલનપુર નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક બુધવારે ચેરમેન દિપકભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.

તેમણે જણાવ્યું કે, પાલનપુરના નાની બજાર, મોટી બજાર વિસ્તારમાં જુના નિયમ મુજબ અશાંતધારો લાગુ કરાયેલો છે. જોકે, કોઝીથી એરોમા સર્કલ, હનુમાન ટેકરી અને આરટીઓ સર્કલ વચ્ચેના વિસ્તારોમાં લઘુમતીની સંખ્યા વધી રહી છે. જેથી ભવિષ્યમાં શાંતિ જળવાઇ રહે તે માટે આ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માટે કારોબારી સમિતીમાં ઠરાવ કરાયો છે. જે જિલ્લા કલેકટરને મોકલી અપાયો છે. ધારો લાગુ કરવા માટે હવે સરકાર નિર્ણય લેશેે.

પાલનપુર શહેરના આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા ઠરાવ કરાયો
કોઝી વિસ્તાર, ઢુંઢીયાવાડી, જીઆઇડીસી, અર્બુદા એપાર્ટમેન્ટ, સોનલ સોસાયટી, અર્બુદા એપાર્ટમેન્ટ, અલીગંજપુરા, અર્બુદાનગર, શક્તિનગર, વિશ્વકર્મા નગર, અલીગંજ ટેકરા, રબારીવાસ, ઠાકોરવાસ, જોષીવાસ, ગાયત્રી પરિવાર, મહંમદી, સાને મહંમદી, રામ નગર, નવ જીવન, જીવન જ્યોત, રામનગર, આરાધના, જલારામ, મેહુલપાર્ક, જામપુરા વિસ્તારની સોસાયટીઓ, આરટીઓ સર્કલ નજીક મળી 100 ઉપરાંત સોસાયટીઓ.

અશાંત ધારો એટલે શુ ?
જે વિસ્તારમાં અશાંત ધારો લાગું કરવામાં આવ્યો હોય તે વિસ્તારમાં મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે, અને જો મિલકત વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે. સાથે મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો આપવી પડે છે. જિલ્લા કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધરે છે, અને કલેક્ટરને યોગ્ય લાગે તો જ આ સોદો થયેલો ગણાય છે. અશાંત ધારામાં કલેક્ટરને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં કોઈ મિલકતો ટ્રાન્સફર થઇ હોય તેમાં કલેક્ટરને કોઈ શંકા જાય તો ‘સુઓ મોટો’ ફરિયાદ દાખલ કરી પોતાની રીતે તપાસ કરીને મિલકત ટ્રાન્સફર માટે તૈયાર થયેલા માલિકને એની મિલકત પાછી અપાવી શકે એવી સત્તા અપાવામાં આવે છે.

કાયદાનો ભંગ કરનારને સજાની જોગવાઇ
આ કાયદાનો ભંગ કરનારને ત્રણથી પાંચ વર્ષની જેલ તથા રુપિયા એક લાખ અથવા તબદીલ થયેલી મિલકતના જંત્રીના ભાવના દસમાં ભાગની રકમમાંથી જે વધુ હોય તે દંડપેટે ભોગવવાની જોગવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...