પાંથાવાડા ગ્રામ પંચાયત દ્વારા 2015 થી 2020 ના સમયગાળા દરમિયાન જુદા જુદા વિભાગ દ્વારા ગ્રાન્ટની ફાળવણી મુજબ વિકાસના કામ થયા ન હતા. તેને લઈને સ્થાનીક રહીશ રણછોડભાઈ રાજગોર દ્વારા અધિકારીઓ સાથે મિલીભગત કરી નિયત સ્થળ પર કોઈપણ પ્રકારના કામ કર્યા વગર તેમજ બોગસ બિલો તેમજ વાઉચર બનાવી રૂપિયા ઉપાડી ગેરરીતી કર્યાનો આરોપ કરી વિડીયો ગ્રાફીતેમજ વિડીયો રેકોર્ડિંગ કરી તપાસ કરવાની અરજી કરી હતી.
જેને પગલે જીલ્લા આંકડા અધિકારી દ્વારા પાંથાવાડા ગ્રામ પંચાયતની ટીમ સાથે 8 જાન્યુઆરી-2021 રોજ તપાસ કરી હતી પરંતુ અરજદાર રણછોડભાઈ રાજગોર તપાસથી સંતુષ્ટ ન થતાં તેમણે જીલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠાને પાંથાવાડા ગ્રામ પંચાયતના 2015 થી 2019-20 સમયગાળા દરમિયાન જુદા જુદા વિભાગના દ્વારા થયેલ 90 લાખના વિકાસના કામમાં ગેરરીતિના આક્ષેપ અંગેની અરજીની પુન: તપાસ કરવા તેમજ વિડીયોગ્રાફી સહીત અરજદારને જાણ કરી તેમની હાજરીમાં તપાસ કરવાની અરજી કરી હતી.
અરજદારની અરજીના અનુસંધાનમાં જિલ્લા વિકાસ અધિકારીએ માર્ગ અને મકાન વિભાગને તપાસનો આદેશ કર્યો હતો. ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગ ધાનેરા દ્વારા અરજદાર રણછોડભાઈ રાજગોરને ટપાલ દ્વારા હાજર રહેવાની જાણ કરી સોમવારના રોજ માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા અરજદાર તેમજ ગ્રામપંચાયત સરપંચ, તલાટી અને સભ્યોની હાજરીમાં વિડીયોગ્રાફી સાથે અરજદારની મુખ્ય તપાસની માંગ રેન બશેરાની તપાસ હાથ ધરી રેન્ડમલી 44 કામ પૈકી 9 કામની તપાસ હાથ ધરી તેનો રિપોર્ટ તૈયાર કરી ઉપલા અધિકારીને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
આ અંગે ધાનેરા નાયબ કાર્યપાલક ઈજનેર હર્ષદભાઈ પટેલએ જણાવ્યું હતું કે ‘અરજદાર રણછોડભાઈ રાજગોર દ્વારા અમને તેમના જણાવ્યા પ્રમાણે કામની તપાસ કરવાનું કહ્યું હતું પરંતુ અમે તેમની મુખ્ય કામની તપાસ કર્યા પછી અમારા લિસ્ટ મુજબના રેન્ડમલી તપાસ હાથ ધરી હતી. તેથી તેમણે અમારી પર યોગ્ય તપાસ ન કરતાં હોવાના આક્ષેપ કરી તપાસ સ્થળ છોડી દીધું હતું પરંતુ અમે તેમને ટેલીફોનીક જાણ કરી હતી પરંતુ તેમણે ના પાડી હતી ત્યારે અડધો કલાક રાહ જોઈ પંચનામું કરી અમે આગળની તપાસ પૂર્ણ કરી છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.