ફરિયાદ:જિલ્લા પંચાયતની સમિતિઓમાં રબારી સમાજને અન્યાય કર્યો હોવાની રાવ

પાલનપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન ન વરાયા, નવા 6 ચેરમેન

બનાસકાંઠા જીલ્લા પંચાયતની જુદી જુદી 6 સમિતિઓમાં નવી ટર્મ માટે તમામ નવા ચહેરા મુકવામાં આવ્યા છે. સાતમી સમિતિ ની પ્રક્રિયા હાથ ધરાઈ ન હતી. જિલ્લા પંચાયતની મહત્વની કારોબારી સમિતિમાં ચેરમેન પદે રવિરાજ ગઢવી, બાંધકામ સમિતિમાં બાલુબેન ઠાકોર જ્યારે શિક્ષણ સમિતિ માંગીલાલ પટેલને ફાળવાઇ છે. જો કે આ સમિતિઓમાં રબારી સમાજને અન્યાય કર્યો હોવાની રાવ પણ ઊઠી છે.

બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં જુદી જુદી સમિતિના ચેરમેનની ટર્મ પુરી થતા નિયમો અનુસાર રાજીનામાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જેમાં કારોબારી ચેરમેન, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન, ઉત્પાદન અને સહકાર સમિતિના, બાંધકામ સમિતિના , આરોગ્ય સમિતિના , સામાજિક ન્યાય સમિતિના અને શિક્ષણ સમિતિના ચેરમેનએ જિલ્લા પંચાયત પ્રમુખને ઉદ્દેશીને રાજીનામા આપ્યા હતા. જોકે રાજીનામાંઓને જિલ્લા પંચાયત સભામાં બહાલી ન આપતા વિપક્ષી સભ્યે બુધવારે વાંધો દર્શાવી નવી વરણી મુલતવી રાખવા જણાવ્યું હતું જોકે જિલ્લા વિકાસ અધિકારીએ પંચાયત શાખાના અધિકારીઓ પાસેથી માર્ગદર્શન મેળવતા સમિતિઓની વરણી ચાલુ રખાઈ હતી.

જેના પગલે ગુરુવારે 6 સમિતિના નવા ચેરમેનની વરણી કરવામાં આવી હતી. જેમાં કારોબારી સમિતિમાં રવિરાજ ગઢવી, આરોગ્ય સમિતિમાં જયંતીભાઈ વાધણીયા, બાંધકામ સમિતિમાં બાલુબેન રાયકરણજી ઠાકોર ઉત્પાદન અને સહકારમાં પુરણસિંહ વાઘેલા, શિક્ષણ સમિતિમાં માંગીલાલ પટેલ, સામાજિક ન્યાય સમિતિમાં લાડુરીબેન નાનાભાઈ પરમાર અને મહિલા અને બાળ વિકાસ સમિતિની વરણી બાકાત રાખવામા આવી હતી. રબારી સમાજને જિલ્લા પંચાયતની સમિતિમાં ચેરમેન પદને લઈને અન્યાય કરવામાં આવ્યો હોવાની આંતરિક બાબત સામે આવી હતી.

અન્ય સમાચારો પણ છે...