તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદનો વરતારો:બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં દેશી નુસખાથી વરસાદની આગાહી, આસો માસમાં પુષ્કળ વરસાદ થશે

પાલનપુર2 મહિનો પહેલા
  • ઇકબાલગઢમાં ખેડૂતે વરસાદ કેવો રહેશે અને અનાજ કેવું પાકશે તેની આગાહી કરી

અખાત્રીજ એટલે ખેડૂતોને પોતાના ખેતરમાં મુહૂર્ત કરવાનો ઉત્તમ દિવસ માનવામાં આવે છે. આ શુભ દિવસે ખેડૂતો પોતાના ખેતરમાં વાવણીના શ્રી ગણેશ કરતા હોય છે. એવું માનવામાં આવે છે કે અખાત્રીજના દિવસે મુહૂર્ત કરવામાં આવે તો પાક સારા પ્રમાણમાં થાય છે. આવી વડીલો પાર્જીત માન્યતાઓ અત્યારે પણ બનાસકાંઠા સહિતના ખેડૂતો માની રહ્યાં છે. જેમાં ઇકબાલગઢમાં ખેડૂતે વરસાદ કેવો રહેશે અને અનાજ કેવું પાકશે તેની આગાહી કરી છે. આગાહી પ્રમાણે આશો માસમાં વરસાદ પુષ્કળ અને શ્રાવણ માસ તથા અન્ય માસમાં વરસાદ સરેરાશ થોડો રહેશે.

ઇકબાલગઢના ખેડૂતે વરસાદની આગાહી કરી

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢના ખેડૂત પ્રકાશભાઈ પ્રજાપતિએ પોતાના પૂર્વજોના દેશી નુસખાથી આ વરસ કેવું રહેશે, વરસાદ અને પાક કેવો રહેશે તેની આગાહી કરી છે. આ ખેડૂતે પોતાના ખેતરમાં ઘરના આંગણે માટીનું લીંપણ કરી તેના પર માટીથી બનાવાયેલ પાંચ કુંડા ચારે દિશા તથા વચ્ચે મુકેલ હતું અને તેના પર અગરબત્તી કરી ફૂલ ચડાવી. તેમજ બધા કુંડાઓમાં સરખું પાણી ભરી ચાર કુંડામાં સાત અલગ અલગ જાતના અનાજ ભરી ચાર કુંડાઓની બાજુ વરસાદના ચાર માસના નામ લખ્યા હતા અને વચ્ચેના કુંડમાં થોડું વધુ અનાજ ભર્યું હતું. જો પાંચે કુંડમાંથી કોઈ પણ એક કુંડુ ફૂટે તે પ્રમાણે માનવામાં આવે છે.

જેમાં આશો માસ લખેલું કુંડુ પ્રથમ તૂટી પડ્યું હતું

જેમકે તેમની માન્યતા મુજબ જો અનાજનું કુંડુ પહેલા તૂટે તો અનાજ પુષ્કળ પ્રમાણમાં થશે અને બીજા ચાર કુંડુમાંથી પહેલા તૂટે એ માસમાં વરસાદ સારો થશે તેવું ખેડૂતો દ્વારા માનવામાં આવે છે. જોકે આ રીતે ઈકબાલગઢના પ્રજાપતિ પ્રકાશભાઈએ આજે અખાત્રીજના દિવસે કરી હતી. તેમાં ચાર ગુજરાતી માસના નામ લખેલ કુંડા મુકેલ જેમાં આશો માસ લખેલું કુંડુ પ્રથમ તૂટી પડ્યું હતું અને શ્રાવણ માસ વાળુ કુંડુ બીજી તૂટ્યું હતુ. એટલે આ ખેડૂતે એવી આગાહી કરેલ છે કે આશો માસમાં વરસાદ પુષ્કળ અને શ્રાવણ માસ તથા અન્ય માસમાં વરસાદ સરેરાશ થોડો રહેશે. જૂની રીતથી ઇકબાલગઢના ખેડૂતે વરસાદની આગાહી કરી વરસાદનું અનુમાન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારના ઈકબાલગઢ ગામના ખેડૂત પુત્ર પ્રકાશભાઈ પ્રજાપતિએ કરેલા નુસખાથી આ વર્ષ વરસાદ આસો મહિનામાં સારો અને શ્રાવણ માસમાં વરસાદ રહેવાની તેમના નુશખા દ્વારા આગાહી કરવામાં આવી છે. પરંતુ ચારેક માસમાં કેવો વરસાદ રહેશે એ તો કુદરત જાણે.

અન્ય સમાચારો પણ છે...