એશિયાની નંબર વન બનાસ ડેરી દ્વારા એક જ જિલ્લામાં બીજો મોટો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘામાં નિર્માણ પામેલી બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનીટી રેડીયો સ્ટેશન (FM 90.4)નું આગામી તા. 19 એપ્રિલ-2022, મંગળવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે અને વિશાળ મહિલા સંમેલન યોજાશે. જેમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં પશુપાલક બહેનો ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત કાર્યક્રમના સ્થળેથી વડાપ્રધાનના હસ્તે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂર્હત કરવામાં આવશે. ઇ-લોકાર્પણમાં બનાસ ડેરીના ચીઝ અને વ્હે પાવડર પ્લાન્ટ વિસ્તૃતીકરણ પાલનપુર, બનાસ ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો સી.એન.જી. સ્ટેશન દામા (ડીસા) અને ઇ- ખાતમુહૂર્તમાં નવીન 4 ગોબરગેસ પ્લાન્ટ- ખીમાણા, રતનપુરા (ભીલડી), રાધનપુર અને થાવર (ધાનેરા) નો સમાવેશ થાય છે.
વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષી બનાસ ડેરી દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમને લઇ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર પણ સક્રિય બન્યું છે. કલેક્ટર આનંદ પટેલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ દિયોદર- સણાદર ખાતે બનાસ ડેરી સંકુલના સ્થળની મુલાકાત લઇ વડાપ્રધાનના કાર્યક્રમ અંગે ઝીંણવટભરી વિસ્તૃત ચર્ચા કરી હતી.
દિયોદર ખાતે બનાસ ડેરીનું નિર્માણ કાર્ય જૂન-2020માં શરૂ થયું હતુ અને માત્ર 18 મહિનાના ટૂંકાગાળામાં અને કોવિડ-19ની વૈશ્વિક મહામારીની વિપરીત પરિસ્થિતિ વચ્ચે સ્ટેટ ઓફ ધી આર્ટ ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો છે. લાખો પશુપાલકોએ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી અને ડેરીના નિયામક મંડળમાં મુકેલા વિશ્વાસના પરિણામે આજે બનાસ ડેરી ઉત્તરોત્તર પ્રગતિના સોપાનો સર કરી વૈશ્વિક ઉંચાઇઓ હાંસલ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.