ડીસામાંથી ફરી ડ્રગ્સ ઝડપાયું:કંસારી ટોલનાકાથી ફિલ્મીઢબે પીછો કરી પોલીસે રૂ. 11 લાખથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપ્યું, ચારની ધરપકડ

પાલનપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ડીસા પોલીસે ડ્રગ્સનો 117 ગ્રામ જથ્થો ઝડપી પાડયો
  • ડ્રગ્સ, ગાડી અને લેપટોપ સહિત રૂ. 15 લાખથી વધુનો મુદ્દમાલ જપ્ત

દેશભરમાં મુંદ્રા અને મુંબઈના ડ્રગ્સ કેસનો મુદ્દો ચગેલો છે, ત્યારે ફરી એકવાર ડીસામાંથી 117 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે. જે મુંબઈથી રાજસ્થાન લઈ જવાઈ રહ્યું હતું. બનાસકાંઠાના ડીસા-ધાનેરા હાઈવે પરથી મેફેડ્રોન એમડી ડ્રગ્સ ઝડપાયું છે. આ વખતે રૂપિયા 11 લાખથી વધુનો જથ્થો ડીસા પોલીસે ઝડપી તેની સાથે ચાર લોકોની ધરપકડ કરી છે.

ગુજરાતમાંથી હાલમાં મુંદ્રા પોર્ટ પરથી 2900 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું, જે બાદ મુંબઈમાં બનેલા ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન સહિત અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કિસ્સામાં ફરી એકવાર ડ્રગ્સ કેસમાં ગુજરાતનું નામ ખુલ્યું છે. ગુજરાતમાંથી મળેલા ડ્રગ્સના કેસમાં આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતાઓ દેખાઈ રહી છે

પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરી ડ્રગ્સ ઝડપ્યું
ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કંસારી ગામ ત્રણ રસ્તા ખાતે વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન કંસારી ટોલનાકા તરફથી આવતી એક સફેદ કલરની I-10 કારને રોકવા પ્રયત્ન કરતા કાર ચાલકે પોતાની કાર પુરઝડપે હંકારી ભાગી છુટ્યો હતો. પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરતા ટેટોડા ગૌશાળા પાસે આવતા કારનું આગળનું ટાયર ફાટી જતા અંદર બેઠેલા શખ્સો કાર મૂકી ભાગી ગયા હતાં.

પોલીસ સ્ટેશન લાવી આરોપીઓની સખત પુછપરછ કરાઇ
કાર મૂકીને ભાગવા જતાં પોલીસે ચાર શખ્સોને ઝડપી લીધા બતાં અને તેમની પુછપરછ કરતાં તેમણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી પોલીસ કર્મચારીઓ ઝડપાયેલા શખ્સોને ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી પુછપરછ કરી હતી.

117.570 ગ્રામ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો
પોલીસની કડક પુછપરછમાં આરોપીઓએ ગાડીમાં મેફેડ્રોન(M.D.) ડ્રગ્સ હોવાની કબુલાત કરી હતી. પોલીસે ચોક્સાઇથી ગાડીમાં ચેક કરતાં તેમાં સંતાડેલો 117.570 ગ્રામ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત રૂપિયા 11 લાખ 75 હજાર 700 થાય છે.

આ ઉપરાંત પોલીસે આરોપીઓ પાસેથી એક લેપટોપ અને ગાડી સહિત રૂપિયા 15 લાખ 11 હજાર 730 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ચારેય આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓ

  • ભવરલાલ જાટ (રહે. ટામ્પી તા. ચિતલવાણા જિ. જાલોર રાજસ્થાન)
  • રતનલાલ નાઇ (રહે. ડાવલ તા. ચિતલવાણા જિ. જાલોર રાજસ્થાન)
  • હનુમાનરામ જાટ (રહે. ભીમથલ તા. ધોરીમન્ના જિ. બાડમેર રાજસ્થાન)
  • હનુમાનરામ જાટ (રહે. ભીમથલ તા. ધોરીમન્ના જિ. બાડમેર રાજસ્થાન)

ડ્રગ્સનું રો-મટિરિયલ મુંબઈથી રાજસ્થાન લઈ જવાતુ હોવાની આશંકા
ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર ડ્રગ્સ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ ઘૂસાડવામાં આવતી હોવાના કિસ્સા વારંવાર પ્રકાશમાં આવતા રહે છે. આવામાં પોલીસને તપાસ દરમિયાન મોટી સફળતા મળી છે. રિપોર્ટ્સ મુજબ આ કેસમાં પ્રાથમિક તપાસ દરમિયાન એવા ખુલાસા થઈ રહ્યા છે કે મેફેડ્રોન ડ્રગ્સનું રો-મટિરિયલ હતું અને તેને મુંબઈથી રાજસ્થાન લઈ જવામાં આવી રહ્યું હતું. આ રો-મટિરિયલમાંથી ડ્રગ્સ તૈયાર કરવા માટે રાજસ્થાનમાં મોકલવામાં આવી રહ્યું હોવાની પણ ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...