કિશોરોને મળશે કોરોના સામે રક્ષણ:બનાસકાંઠાના 2.20 લાખ કિશોરોનું ચારથી પાંચ દિવસમાં રસીકરણ પૂર્ણ કરવાનું આયોજન - જિલ્લા વિકાસ અધિકારી

પાલનપુર17 દિવસ પહેલા
  • જિલ્લામાં આજથી 15થી 18 વર્ષના કિશોરો માટે કોરોના રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો
  • રસીકરણ અભિયાનમાં શાળાઓના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો
  • 10 જાન્યુઆરીથી હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન વોરીયર્સ, સિનિયર સિટીઝન અને કો-મોર્બિડ કંન્ડીશનના દર્દીઓને બુસ્ટર ડોઝ

રાજ્ય સરકાર દ્વારા આજે સોમવાર ને 3જી જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં 15થી 18 વર્ષના કિશોરોને કોરોના સામે સુરક્ષા કવચ પુરૂ પાડવા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના પગલે બનાસકાંઠા જિલ્લામાં આદર્શ વિદ્યાલય, ડીસા અને પાલનપુર વિદ્યામંદિર સ્કૂલ કેમ્પસમાં 15થી 18 વર્ષના કિશોરો માટેના રસીકરણ અભિયાનનો જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ પ્રારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં 18 વર્ષ ઉપરના 90 ટકા લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ આપી કોરોના સામે સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. ભારત સરકારની સુચના મુજબ આજથી 15થી 18 વર્ષના કિશોરોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જુની પેઢીની સરખામણીએ નવી પેઢી વિજ્ઞાનને વધુ સારી રીતે સમજે છે. એટલે આ રસીકરણ અભિયાનમાં બહુ ઉત્સાહથી તમામ શાળાના બાળકોએ ભાગ લીધો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત ન થાય તે માટે આ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લામાં 2.20 લાખ જેટલાં 15થી 18 વર્ષના કિશોરોનું ચારથી પાંચ દિવસમાં રસીકરણ પૂર્ણ કરવાનું આયોજન છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 10 જાન્યુઆરી, 2022 પછી જિલ્લામાં 25 હજાર 219 હેલ્થ વર્કરો અને 47 હજાર 058 ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સને તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝનો અને કો-મોર્બિડ કંન્ડીશન ધરાવતા દર્દીઓને બુસ્ટર ડોઝ આપવા પણ આરોગ્ય તંત્ર દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...