માતાના ધામમાં જતા શ્રદ્ધાળુઓ યમધામ પહોંચ્યા:અંબાજી નજીક વાહનની અડફેટે ત્રણ ભક્તનાં મોત, પરિવારજનોએ કહ્યું- અમારાં બે ભાઈ અને બહેનને કાળ ભરખી ગયો

પાલનપુરએક મહિનો પહેલા
પગપાળા મા અંબાના ધામમાં જતા સંઘને કાળ ભરખી ગયો.
  • મૃતકોનાં પરિવારજનોએ વાહનચાલક સામે કાર્યવાહી કરવાની માગ કરી
  • મૃતકો અંબાસા ગામથી અંબાજી દર્શન કરવા નીકળ્યા હતા
  • અકસ્માતની ઘટના બનતા ખાનગી વાહનો માટે માર્ગ બંધ

બનાસકાંઠા જિલ્લામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના નોંધાઈ છે. બેફામ વાહન હંકારતા ચાલકો કોઈકના પરિવારના સભ્યનો જીવ લઈ લે છે. સંવેદનાવિહીન અને બેદરકાર બની રહેલા વાહનચાલકો સામાન્ય નાગરિકો અને રાહદારીઓ માટે જોખમી તેમજ જીવલેણ બની રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાંથી પણ કંઇક આવી જ ઘટના સામે આવી છે. અંબાસા ગામથી સંઘ મા અંબાનાં દર્શન કરવા જઇ રહ્યો હતો. પરિવાર માતાના ધામમાં જતા વાહનચાલકની ભૂલને કારણે યમધામ પહોંચી ગયો. પગપાળા સંઘને રાણપુર ગામ પાસે બેફામ આવી રહેલા અજાણ્યા વાહને ટક્કર મારતાં 3 લોકોનાં મોત થયાં છે, જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ બનાવને પગલે બનાસકાંઠા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

મૃતકોનાં પરિવારજનોએ ન્યાયની માગ કરી.
મૃતકોનાં પરિવારજનોએ ન્યાયની માગ કરી.

રાણપુર પાસે બની ઘટના
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. ત્યારે કેટલાક પદ યાત્રિકો પગપાળા અંબાજી માતાજીના ધામે દર્શન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન રાણપુર પાસે ફુલ સ્પીડે આવી રહેલા એક વાહને કેટલાક પદ યાત્રાળુઓને ટક્કર મારતાં 3 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ બનાવને પગલે યાત્રાળુઓનાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં તેમજ આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

વાહનચાલક પર કાયદાકીય સજાની માગ કરાઈ
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, ગઈકાલે શુક્રવારે અગિયાર વાગ્યે યાત્રાધામ અંબાજી પગપાળા આવી રહેલા યાત્રાળુને રાણપુર પાસે અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી, જેથી 1 મહિલા સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોના પરિવાર દ્વારા અકસ્માત સર્જેલા વાહનચાલક સામે કાયદાકીય સજાની માગ કરી છે. મૃતકનાં પરિવારજનોએ જણાવ્યું હતું કે મારા ભાઈઓ કાલે અગિયાર વાગ્યે અંબાસાથી અંબાજી દર્શન માટે નીકળ્યા હતા, ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાયો છે. અમારાં બે ભાઈ અને એક બહેન હતાં. તેમણે જણાવ્યું હતું કે અમે સરકારને વિનંતી કરી રહ્યા છીએ કે આવી રીતે બેફામ વાહન ચલાવનારા સામે કાર્યવાહી કરવામાં આવે, જેથી આવી ઘટના ફરી ન બને.

અંબાજી જઈ રહેલા પાંચ પૈકી ત્રણ યાત્રાળુનાં મોત.
અંબાજી જઈ રહેલા પાંચ પૈકી ત્રણ યાત્રાળુનાં મોત.

પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાને લઇ ખાનગી વાહનો માટે રસ્તો બંધ

ભાદરવી પૂનમને લઇ મોટી સંખ્યામાં ભક્તો પદ યાત્રા કરી અંબાજી દર્શન માટે આવી રહ્યા છે. ત્યારે અંબાજી હડાદ રોડ પર પદયાત્રા કરી અંબાજી આવતા પદ યાત્રિકોને અજાણ્યા વાહને અડફેટે લેતાં ત્રણ પદયાત્રીઓ ના મોત થયા હતા. તેમજ બે ને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે મોતને પગલે પોલીસ વિભાગે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જોકે, આ અકસ્માત બાદ ખાનગી વાહનોની અવર જવર બંધ કરવામાં આવી છે.

પૂનમ સુધી ભક્તો માટે મંદિર ખુલ્લું મુકાયું

ઉલ્લેખનીય છે કે અંબાજી ખાતે દર વર્ષે યોજાતો લોકમેળો તો રદ કરવામાં આવ્યો છે, પરંતુ યાત્રિકો માટે મંદિરને ખુલ્લું રાખવામાં આવતાં પગપાળા યાત્રિકો દર્શનાર્થે આવી રહ્યા છે. ભાદરવા સુદ નોમના દિવસે દર વર્ષે મા અંબાના ભાદરવી પૂનમના મહામેળાને ખુલ્લો મૂકવામાં આવતો હોય છે. જોકે આ વર્ષે કોરોના મહામારીને પગલે ભાદરવી પૂનમનો મહામેળો નહિ યોજાય. ગૃહ વિભાગ દ્વારા મેળો નહીં યોજવાનો આદેશ કરવામાં આવ્યો છે. જોકે ભાદરવી પૂનમ સુધી ભક્તો માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે.

કમનસીબ મૃતક
1. નરેશ બચુભાઈ ડામોર (ઉં.વ.17)
2. હરીશ શંકરભાઈ ડામોર (ઉં.વ.17)
3. રેશમીબેન વેસાતભાઇ ભોઈ ( ઉં.વ.18) (તમામ રહે. અંબાસા, તા.ડુંગરપુર, જી.ઉદેપુર, રાજસ્થાન)

ઇજાગ્રસ્તો
1. ઈન્દ્રા સોમાજી તબીયાડ (ઉં.વ.14)
2. રાકેશ ડામોર (ઉં.વ 12) (તમામ રહે.અંબાસા,તા.ડુંગરપુર,જી.ઉદેપુર, રાજસ્થાન)

અન્ય સમાચારો પણ છે...